અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દિલ્હી સુધીની સૌપ્રથમ પેસેન્જર ટ્રેન લોકડાઉનમાં રેલવે દ્વારા દોડાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ દ્વારા પેસેન્જરોએ ટિકિટ ખરીદીને સાબરમતી રેલ્વે સ્ટેશન પહોંચવાનું હતું. કોરોના વાઇરસના સંક્રમણના કારણે રેલવે દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર, માસ્ક વગેરે જેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.
લૉકડાઉનમાં પ્રથમ વખત અમદાવાદથી દિલ્હી સુધી પેસેન્જર ટ્રેન શરૂ - લૉક ડાઉન ટ્રેન
રેલવે મંત્રાલય અને રેલ પ્રધાન પીયૂષ ગોયલના ટ્વીટ બાદ આંશિક રૂપે રેલવેનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 15 ટ્રેનો દિલ્હી તેમજ ભારતના મોટા શહેરોને જોડશે. જેથી લોકડાઉનમાં ફસાયેલાં લોકો પોતાના શહેર પરત ફરી શકશે. આવી જ એક ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દિલ્હી જવા સાંજે 06:20 મિનિટે રવાના થઈ હતી.

લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાયેલા બીજા શહેરોના લોકો આ ટ્રેન દ્વારા રાજસ્થાન તેમજ દિલ્હી જવા રવાના થયાં હતાં. 1500 રૂપિયાથી લઈને 2100 રૂપિયા જેટલું ભાડું રેલવે દ્વારા વસૂલ કરવામાં આવ્યું હતું. જે ક્લાસ પ્રમાણે અલગ-અલગ હતું. જો કે, આશ્ચર્યની વાત એ હતી કે પ્રજાના પ્રતિનિધિ એવા બંધારણના ચોથા સ્તંભ મીડિયાને પ્લેટફોર્મ પર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. રસ્તામાં રેલવે દ્વારા પેસેન્જરોને પાણી અને સૂકા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
કોરોના વાયરસના લક્ષણો ધરાવતાં પેસેન્જરોને સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ તેમને ટ્રેનમાં જવાની પરમિશન મળતી હતી, તો પેસેન્જરોને સેનિટાઈઝ પણ કરાયાં હતાં.