અમદાવાદ:ગુજરાતના પ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની ઉંમરે સોમવારે અમદાવાદમાં નિધન થયું છે. વય સંબધિત બીમારને કારણે છેલ્લા બે સપ્તાહથી તેઓ બીમાર હતા અને આ કારણે જ તેમનું અવસાન થયું છે. તેમના અવસાનથી પત્રકાર જગતની જાણીતી હસ્તીઓ અને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પદ્મશ્રી સન્માનિત: ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાત સમાચાર અખબારના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. અખબાર જગતમાં 60 વર્ષથી વધુની તેમની કારકિર્દી છે. પોતાના અવનવા ફોટો માટે તેઓ ભારતભરમાં જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આકર્ષક વ્યક્તિત્વ: ઝવેરીલાલ મહેતા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના રહેવાસી હતાં, વર્ષ 1970ના દાયકાથી તેઓ ગુજરાત સમાચાર સાથે સિનિયર ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમને રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા હતા. કિશોર કુમાર જેવી સ્ટાઈલ માટે જાણીતા ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં પણ ફોટો લાઈનો માટે પણ વખાણવામાં આવતા હતા. તેના દરેક ફોટાની ફોટોલાઈનમાં તેઓ પોતાના ઉર્મિસભર વિચારો વ્યક્ત કરતા હતા.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની શ્રદ્ધાજંલિ: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઝવેરીલાલ દલપતરામ મહેતાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે, રાષ્ટ્રપતિએ ટ્વિટર પર ઝવેરીલાલ દલપતરામ મહેતાની તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત પ્રસંગની એક તસ્વીર શેર કરીને તેમને શ્રદ્ઘાંજલિ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક: ઝવેરીલાલ મહેતાના નિધન પર રાજ્યભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યારે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિઘન પર દુ:ખ વ્યક્ત કરતા ટ્વિર તેમની સાથેની એક તસ્વીર શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ''ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાત સમાચાર અખબારના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. અખબાર જગતમાં 60 વર્ષથી વધુની તેમની કારકિર્દી છે. પોતાના અવનવા ફોટો માટે તેઓ ભારતભરમાં જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા''.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો શોક સંદેશ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાજંલિ આપી છે, તેમને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ''ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. જીવનના અવનવા રંગોને અને સમાજના વિવિધ પાસાઓને કેમેરાની ક્લિકથી તસવીરમાં કેદ કરવાનું તેમનું કૌશલ્ય અનન્ય હતું. તેમના નિધનથી ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એક અધ્યાયનો અંત આવ્યો છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા સ્વજનો અને ચાહકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ''
- દક્ષિણ ગુજરાતમાં 1 લાખ હેક્ટરમાં કપાસના પાકને નુકસાનની ભીતિ, માવઠાની પેટર્ન બદલાતા યોગ્ય સર્વે કરવા CMને રજૂઆત
- નડિયાદનું સંતરામ મંદિર સવા લાખ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું