અમદાવાદઃ મહાનગરપાલિકાની બલિહારીને પગલે દર વર્ષે મોટી રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવાને બદલે શહેરમાં પડેલા ભુવાને પુરવામા ખર્ચાઇ જાય છે. સ્માર્ટ સીટી અને હેરિટેજ સીટી તરીકે ઓળખાતા અમદાવાદની પોલ સામાન્ય એવા વરસાદમાં ખુલી રહી છે.
દર વર્ષે મ્યુનિસિપલ તંત્ર રોડ રસ્તા પાછળ કરોડોનો ખર્ચ કરે છે. તેમ છતાં વરસાદમાં શહેરના રોડ રસ્તાની હાલત પાતળી થઇ જાય છે. મસમોટા ખાડા અને ભૂવા પડી જાય છે અને હવે તો પરિસ્થિતિ એવી છે કે, વગર વરસાદે ભુવા પડી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં હવે તો વગર વરસાદે જ ભુવા પડી રહ્યા છે શહેરના રિંગ રોડ પર રામોલ ગામ જતાં મસમોટો ભુવો પડ્યો છે. જેના લીધે અકસ્માત સર્જાવાાની ભિતી સર્જાય છે. છતાં બેધ્યાન તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી.
આ અંગે સ્થાનિકો તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવી રહ્યાં છે કે, "સામાન્ય વરસાદમાં જ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે અને મસમોટા ભૂવા પડી જાય છે. જેના કારણે સૌને ભારે હાલાકી વેઠવી પડે છે. આ પરિસ્થિતી દર વર્ષે ચોમાસામાં જોવા મળે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને હવે તો વરસાદ વગર જ મસમોટા ભૂવા પડી પડી રહ્યાં છે. જે સ્માર્ટ સીટીનું ગાણું ગાતા તંત્રની પોલ ખુલ્લી પાડી રહ્યાં છે."
રહીશે જણાવ્યું હતું કે, "અમે આ અંગે તંત્રમાં રજૂઆત કરીશું અને તાત્કાલિક આ મુદ્દે કામગીરી કરવાની માગ કરીશું. કારણ કે, રસ્તાઓની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. જેના પગલે અકસ્માત થવાની ભીતિ સર્જાઈ છે."
તો બીજી તરફ, તંત્રમાં સ્માર્ટ સીટી નામે કૌભાંડો થતાં હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. કારણ કે, કહેવામાં તો અમદાવાદ ગુજરાતનું સ્માર્ટ સીટી છે. પણ વાસ્તવિકતામાં તો શહેરમાં પ્રાથમિક સુવિધાના પણ ધાંધિયા જોવા મળે છે.