અમદાવાદ:અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.ડી પરમારની ટીમના PSI વી.આર ગોહિલ તેમજ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને બાતમી મળી હતી કે નરોડા કુબેરનગર બ્રિજના છેડે કેટલાક શખ્સો હથિયાર સાથે હાજર છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના દીપક ગજેન્દ્રસિંહ જાટ તેમજ રાજાખાન છોટેખાન ખાન અને અલીહસન ખાલીક કુરેશી નામના ત્રણ શખ્સોને ઝડપીને બે પિસ્ટલ તેમજ છ કારતુસ કબજે કર્યા છે.
બીકા ગેંગના શાર્પ શૂટર સહિત બે શખ્સો ઝડપાયા:પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ હથિયારો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સિંગાના ગામ ખાતેથી 18 હજાર રૂપિયામાં લાવ્યા હતા. મહત્વનું છે કે આ મામલે પકડાયેલો આરોપી દીપક ગજેન્દ્રસિંહ જાટ કુખ્યાત અરવિંદસિંગ બિકા ગેંગનો શાર્પ શૂટર છે અને તે અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનમાં આંગડિયા લૂંટ વિથ ફાયરિંગના ગુનામાં તેમજ ઈડર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશના ગુનામાં હિંમતનગર જેલમાં પાંચ વર્ષથી બંધ હતો. 31 મી જાન્યુઆરી 2023 ના રોજ દસ દિવસની પેરોલ ઉપર છૂટીને ત્યારબાદથી નાસતો ફરતો હતો.
પોલીસ પૂછપરછ ચાલુ:મહત્વનું છે કે કુખ્યાત અરવિંદસિંગ બીકા હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેની સામે અગણિત કેસ નોંધાયેલા છે. તેવામાં તેનો શાર્પ શૂટર જેલમાંથી પેરોલ પર છૂટીને મધ્યપ્રદેશથી હથિયારો લઈને અમદાવાદ શા માટે આવ્યો હતો તેની પ્રાથમિક તપાસ પોલીસે શરૂ કરી છે. દીપક જાટ અમદાવાદ શહેરમાં કોઈ વ્યક્તિની સોપારી લઈને હત્યાના ઇરાદે આવ્યો હોવાની આશંકા ક્રાઈમ બ્રાન્ચને હોવાથી હાલ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.