અમદાવાદઃ હાઈકોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચૂકાદામાં નોંધ્યું છે કે, અશાંતધારાના કાયદા પ્રમાણે અશાંતધારા વિસ્તારમાં આવતી મિલકતના વેચાણ કરારની મંજૂરી માટે ડેપ્યુટી કલેકટરે વ્યાજબી ભાવ અને સ્વતંત્ર વ્યવહારનો નિયમ સિવાય અન્ય બાબતો જેમ કે કાયદો અને વ્યવસ્થા સહિતની બાબતોને ધ્યાનમાં લેવું જોઈએ નહિ. વડોદરા ડેપ્યુટી કલેક્ટરે મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ માલિકીની દુકાન મુસ્લિમને વેચવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થા નહિ જળવાય તેવી શક્યતા વ્યક્ત કરતા પોલીસ રિપોર્ટના આધારે વેચાણ કરાર માટે પરવાનગી આપી ન હતી. જે આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
અશાંતધારા વિસ્તારમાં વેંચાણ કરાર માટે વ્યાજબી ભાવ અને સ્વતંત્ર વ્યવહારના નિયમો સિવાય અન્ય કોઈ માપદંડને ધ્યાને લઇ શકાય નહિ: હાઈકોર્ટ
રાજ્યમાં અશાંતધારા વિસ્તાર હેઠળ આવતી મિલકતના વેંચાણ કરાર માટે ખરીદનાર અને વેચનાર વચ્ચે વાજબી ભાવ અને સ્વતંત્ર વ્યવહારનો નિયમ હોવા છતાં વડોદરા ડેપ્યુટી કલેકટર અને SSRDએ પોલીસ રિપોર્ટના આધારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વેચાણ કરારની પરવાનગી ન આપતાં દાખલ કરાયેલી રિટ મુદ્દે હાઈકોર્ટે વડોદરા ડેપ્યુટી કલેકટર અને SSRDના આદેશને રદ જાહેર કર્યા છે.
હાઈકોર્ટે આપેલા ચુકાદામાં મહત્વનું અવલોકન કર્યુ છે કે, અશાંતધારાના કાયદાના નિયમો સિવાય પાડોશીઓનો અભિપ્રાય કે વાંધોને માન્ય રાખી શકાય નહિ. ડેપ્યુટી કલેકટર કે SSRD નિયમોના માપદંડની બહાર જઈ શકે નહિ.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વડોદરાના વિભાગ - A વિસ્તાર પાસે આવેલા મુસ્લિમ વિસ્તારમાં દિનેશ મોદી અને દિપક મોદીની માલિકીની દુકાન અરજદાર ઓનાલી ધોળકાવાળાને વેચવા મુદ્દે વેચાણ કરાર અંગેની પરવાનગી SSRD અને વડોદરા ડેપ્યુટી કલેકટરે કાયદો અને વ્યસ્થાને ધ્યાનમાં રાખીને ફગાવી દેતા તેને પડકારતી રિટ હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી.