અમદાવાદ : ઉલ્લેખનીય છે કે, આશ્રમની બંને સાધિકાઓ દ્વારા અગાઉ કરવામાં આવેલી જામીન અરજી અમદાવાદ મીરજાપુર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, હાઇકોર્ટે બંને સાધિકાઓની અરજી ફગાવવાનું વલણ દાખવતા તેમના વકીલ તરફે અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. તેમજ કેસમાં ચાર્જશીટ દાખલ થઇ ગઇ હોવાથી નવેસરથી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
નિત્યાનંદ આશ્રમ : પ્રાણપ્રિયા અને પ્રિયતત્વના કોર્ટે જામીન મંજુર કર્યા - અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદ નગર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી બંને સાધિકા પ્રાણપ્રિય અને પ્રિયાતત્વની જામીન અરજી શુક્રવારે અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે મંજુર કરી દીધા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ જિલ્લાની બહાર ન જવાની શરતે કોર્ટે બંને સાધિકાના જામીન મંજુર કર્યા છે.
અગાઉ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને સાધિકાઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના છે. તેમને જામીન આપવામાં આવે તો આ કેસના પુરાવા સાથે ચેડાં પણ કરી શકે છે. એટલું જ નહીં બન્ને કેસના મુખ્ય આરોપી નિત્યાનંદ સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી તેમને જામીન આપવામાં આવશે, તો ભાગી છૂટવાની શકયતાને ધ્યાનમાં રાખીને જામીન અરજી ફગાવી દીધી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત ડિસેમ્બર મહિનામાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં પ્રતિ બે યુવતીઓને મેળવવા માટે તેના માતા-પિતા આશ્રમમાં આવ્યા હતા. ત્યારે તેમને પ્રવેશ્તા અટકાવવામાં આવ્યા હતા. બંને દિકરીઓને પરત મેળવવા માટે પિતા જનાર્દન શર્મા તરફે હાઈકોર્ટમાં હેબિયસ કોરપ્સ અરજી દાખલ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા આશ્રમની બે સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની ધરપકડ કરી હતી. બંને પર આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.