અમદાવાદઃશહેર પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5, 10 અને 21 કિલોમીટરની મેરેથોનને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેવા 75,000થી વધુ રનર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ પણ વાંચોપોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન યોજાઈ
નેવીના જવાનોએ લીધો ભાગઃખાસ તો આ મેરેથોનમાં BSF, નેવી, SRP સહિતના જવાનો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અનેક યુવાનોએ ભાગ લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી આ મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
મેરેથોનનું આયોજનઃ5, 10 તેમજ 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 કિલોમીટરની ફનરેસ, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ 5 ક્રમે આવનારા રનર્સને ઈનામ આપવામાં આવશે. પોલીસ દ્વારા કુલ 10,00,000 રૂપિયાના રોકડ રકમના ઈનામો રાખવામાં આવ્યા હતા. તો આ મેરેથોનમાં ભાગ લેનારા તમામ દોડવીરો માટે મેડિકલ ફેસિલિટી, ફિઝિયોથેરાપી તેમ જ હાઈડ્રેશન પોઇન્ટ પણ રાખવામાં આવ્યા હતા.
પોલીસે કરી વિશેષ વ્યવસ્થાઃઆ ઉપરાંત અહીં નાગરિકો માટે પણ એન્ટરટેનમેન્ટની પણ ખાસ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો 21 કિલોમીટરની દોડ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી શરૂ થઈને સુભાષ બ્રિજ સર્કલ સુધી પહોંચી હતી. સમગ્ર રૂટ ઉપર 6 જેટલા અલગ અલગ સ્ટેજ પણ તૈયાર કરાયા હતા, આ સ્ટેજ પર BSF, નેવી, આર્મી તેમ જ SRPF બેન્ડ સહિત અનેક સ્થાનિક બેન્ડ દ્વારા અલગઅલગ પ્રસ્તુતિ કરીને દોડવીરો અને નાગરિકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયાઃશહેર પોલીસ દ્વારા આ ઈવેન્ટને લઈને ગુજરાત યુનિવર્સિટી, GTU અને તેવી અનેક યુનિવર્સિટીના સ્ટુડન્ટસ સાથે સંપર્ક સાધી તેમને પણ આ મેરેથોનમાં ભાગ લેવા માટેનું ટાઈઅપ કરાયું હતું. ખાસ તો જામનગરથી નેવીના 200 જેટલા જવાનો આ મેરેથોનમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે નાગરિકોના એન્ટરટેનમેન્ટ માટે ગુજરાતી ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ગુજરાતી ખેલાડીઓ સહિત અનેક સેલિબ્રિટી આ ઇવેન્ટમાં જોડાયા હતા. તો આ મેરેથોનમાં ભાગ લેનારા રનર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ આ મેરેથોનમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ જોડાયા હતા.