અગાઉના દંડની રકમથી અત્યારના દંડની રકમમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે લોકોએ પણ દંડથી બચવા નિયમોનું પાલન કર્યું છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ નિયમોનું પાલન કરતા નથી અને દંડ ભરવાનો વારો આવે ત્યારે જાત-જાતના બહાના નીકળતા જોવા મળ્યાં હતાં. કેટલાક કિસ્સાઓમાં તો સાવ રમૂજ પ્રકારનું કારણ આપી મેમોથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ દંડથી બચવા લોકોઓએ અપનાવ્યા નવા નવા બહાના શહેરના લાલદારવાજા પાસેના વીજળી ઘર પાસેના ટ્રાફિક પોઇન્ટ પણ પોલીસ જ્યારે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે મોટર સાયકલ પર પસાર થયેલા એક આધેડ ઉંમરના વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું નહોતું. જેથી પોલીસે તેમને રોકતા ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના શર્ટના બટનો ખોલી પોલોસ સામે ઉભા થઈ ગયા હતા. એટલું જ નહીં પોલીસ ઉપર રોબ જમાવી પોલીસને ડરાવવાનો પ્રયત્ન આધેડે દ્વારા કરવામાં આવ્યો હતો. આત્મ-વિલોપનની ચીમકી પણ પોલોસ સમક્ષ ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટના પોલીસકર્મીઓ દ્વારા જ મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી.
તો બીજી તરફ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોએ વિવિધ પ્રકારના બહાના બતાવ્યા હતા. એક યુવતીએ કહ્યું કે, "હું ક્યારેય વાહન નથી ચલાવતી રોજ બસમાં જ જાવ છું અને આજે જ વાહન લઈને આવી, તો એક યુવકે કહ્યું કે, નવા ટ્રાફિકના નિયમો અંગે મને કોઈ જાણ જ નથી. એક વ્યક્તિએ દંડ તો ભર્યો પરંતુ તે બાદ પોતાનો રોષ પોલીસ સમક્ષ ઠાલવ્યો અને સરકારને ગાળો આપી હતી. આમ દંડની રકમથી બચવા લોકો અલગ-અલગ કીમિયો અપનાવે છે તો સામે પોલીસ પણ હવે તેમને જવાબ આપી દે છે.
કેટલાક કિસ્સાઓમાં નિયમોનું પાલન ના કરનારા વાહન ચાલકની પરિસ્થિતિ જોઈને પોલીસે માત્ર તેમને સમજાવીને જવા દીધા હતા તો કેટલાક દાદાગીરી અને ધાક-ધમકી આપનારા વ્યક્તિઓ સામે કડક વલણ પણ અપનાવ્યું હતું. આ અગાઉ કરતા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા લોકોમાં વધારો થયો છે અને આ જ પ્રમાણે રહ્યું તો તમામ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન અવશ્ય કરશે.