રોશની નામની યુવતી જે મૂળ હૈદરાબાદની વતની છે, તે 23 મેના રોજ સંયમનો માર્ગ અપનાવશે અને સંસારી જીવનનો ત્યાગ કરશે. રોશની છેલ્લા 5 વર્ષથી NCCમાં કાર્યરત હતી અને IPS માટેની તૈયારી કરી રહી હતી, પરંતુ જીવનમાં વળાંક આવતા રોશનીએ સંયમનો માર્ગ પસંદ કર્યો છે. રોશનીને અલગ-અલગ 15 મેડલ મળ્યા છે. જે શૂટીંગ, સ્કેટીંગ, હોકી, ચેસ, રાઇફલ, બેસ્ટ ગાર્ડ વગેરે ક્ષેત્રે મળેલા છે, પરંતુ હવે રોશનીને મેડલ નથી જોઈતા તેને હવે સંયમનો માર્ગ જ દેખાય છે. રોશની તેનું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માંગે છે. તે લોકો સુધી સારો સંદેશો પહોંચાડવા માંગે છે.
IPS ની તૈયારી કરતી યુવતી અપનાવશે સંયમનો માર્ગ...
અમદાવાદઃ આજના યુગમાં યુવાઓને મોજ-શોખ કરવાની આદત હોય છે અને ધાર્મિક પ્રવૃતિઓથી દુર રહેતા હોય છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી નદીના તટ પર 19 દિક્ષાર્થીઓ દીક્ષા લેવાના છે. જેમાં એક યુવતી પણ દીક્ષા લેવા જઈ રહી છે.
આ અંગે રોશનીના પિતા સુરજભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે, તેમને બહુ ખુશી છે કે તેમની દીકરીએ સંયમનો માર્ગ પસંદ કર્યો છે. રોશની તેમની લાડલી દીકરી છે અને ખૂબ જ શિષ્ટાચારી છે. તેના પિતાને રોશનીના દરેક કામ સારા લાગે છે. તેઓ પણ પહેલા અન્ય પિતાની જેમ તેને IPS અધિકારી બનાવવા માંગતા હતા, પરંતુ કોઈ બનાવ બનતા પરિવારે તેનો સાથ આપ્યો અને સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો. પરિવારમાં રોશની તેના માતા-પિતા, દાદી, તેની અન્ય બે બહેનો, તેના ભાઈ અને ભાભી રહે છે. પરિવારના તમામ સભ્યો આ નિર્ણયથી ખુશ છે.
શરૂઆતમાં પરિવારને ધર્મ વિશે એટલું જ્ઞાન નહોતું માટે સહકાર મળતો ન હતો, પરંતુ ધીમે-ધીમે જૈન ધર્મ વિશે ઊંડાણમાં ઉતરતા ધર્મ માટે લાગણી વધી અને અંતે સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.