NCC કેડરના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતી નિમિતે સાયકલ યાત્રા યોજી
અમદાવાદ: ગાંધીજીની 150મી જન્મજયંતી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના NCC કેડરમાં 11 વિદ્યાર્થીઓ દ્વારા 800 કિમી લાંબી સાયકલ યાત્રા યોજાઈ હતી. આ યાત્રા ગાંધીજીની કર્મભૂમિ દાંડીથી લઈને જન્મભૂમિ પોરબંદર સુધી યોજવામાં આવી હતી. આ યાત્રાને ગાંધી આશ્રમ ખાતે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ઝંડી આપી પ્રોત્સાહન આપ્યું હતું.
સપ્ટેમ્બર માસથી દાંડીથી શરૂ થયેલી આ યાત્રા સોમવારના રોજ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમ પહોંચી હતી. જ્યાં રાજ્યના ગૃહપ્રધાને 11 સાયકલ ચાલકોને ફ્લેગ ઓફ ઓનર આપી પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાત NCCના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સાયકલ ચાલકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ યાત્રા 29 તારીખે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર પહોંચશે. અંદાજીત 800 કિમી જેટલું અંતર કાપવામાં આવશે. આ યાત્રામાં NCCના કુલ 11 સાયકલ ચાલકો જોડાયા છે, જેમાં 5 છોકરી અને 6 છોકરાઓ છે. યાત્રા જે-જે ગામોમાંથી પસાર થાય છે, ત્યાં રસ્તામાં બધાને જાગૃતિનો સંદેશ આપે છે અને ગાંધીજીના વિચારોનો પ્રચાર પણ કરે છે.