અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ભાજપે પોતાના ઉમેદવારોને ટિકીટો આપવાની શરુઆત કરી છે. ભાજપે 10 નવેમ્બરે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. તેમાં અમદાવાદ શહેરની કુલ 16 બેઠકો પૈકીની એક નરોડા વિધાનસભા બેઠક ( Naroda Assembly Seat )પર પાયલબેન મનોજકુમાર કુકરાણીને ટિકીટ ( BJP Woman Candidate Payal Kukrani )આપવામાં આવી છે. ભાજપના મહિલા ઉમેદવાર પાયલ કુકરાણી કોણ છે અને તેમની પૂર્વભૂમિકા શું છે તેમજ 47 નંબરની નરોડા વિધાનસભા બેઠકની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં શી વિગતો રહી હતી તે વિશે વિસ્તૃત માહિતી જોઇએ.
પાયલ કુકરાણીનો પરિચયપાયલ મનોજકુમાર કુકરાણી ( BJP Woman Candidate Payal Kukrani ) વ્યવસાયે એનેસ્થેયિસાના એમડી ડોક્ટર છે. તેઓ ભાજપ સંગઠનમાં સક્રિય કાર્યકર્તા રહ્યાં છે. તેમના પિતા મનોજકુમાર રોગુમલ કુકરાણી વર્ષોથી ભાજપ અને સંઘ પરિવારના સક્રિય સભ્ય તથા હોદ્દેદાર રહ્યાં છે. પાયલ કુકરાણીનો જન્મ 18 ડીસેમ્બર 1992ના રોજ થયો છે. તેઓ કુબેરનગર પાટિયા વિસ્તારમાં જ રહે છે અને સિંધી સમાજમાંથી આવે છે. પાયલ કુકરાણીના ગત ફેબ્રુઆરી માસમાં જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે. તેમણે પ્રેમલગ્ન કરેલા છે. તેમના પતિ એમડી મેડિસિનની ડિગ્રી ધરાવે છે. પાયલ કુકરાણી નરોડા વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું અને નિશુલ્ક તબીબી સહાય આપવાનું સામાજિક કાર્ય કરવામાં પહેલેથી સક્રિય હોવાનું જાણવા મળે છે.
પાયલ કુકરાણીના પિતાની ભાજપમાં ભૂમિકા મનોજકુમાર કુકરાણી (BJP Woman Candidate Payal Kukrani )પાર્ટિશન વખતે ભારત આવી ગયેલા રેફ્યૂજી સિંઘી સમાજના છે. તેઓ 1980માં પાર્ટીમાં જોડાયાં ત્યારથી સક્રિય સભ્ય રહ્યાં છે. 1985માં યુવા પ્રમુખ, 1987માં ઉપપ્રમુખ, 1991માં શહેર ખજાનચી, 1992માં વોર્ડ પ્રમુખ, 1994માં નરોડાના મહામંત્રી, 1998માં નરોડા મંડળ પ્રમુખ બાદમાં સૈજપુર વોર્ડના પ્રમુખ, સિંધી પંચાયતના પ્રમુખ, નરોડા વિધાનસભા બેઠકના સિંધી સમાજના નેતા તેમજ સંલગ્ન સંસ્થાઓ અને યુનિયનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યાં છે. મહત્ત્વની વાત છે કે મનોજકુમાર કુકરાણીએ હાલમાં ગોધરાકાંડ બાદના પાટીયા કાંડ કેસમાં હાલમાં જામીન લીધેલા છે. ત્યારે હવે તેમના પુત્રી પાયલ કુકરાણીને ટિકીટ આપવામાં આવી છે. પાયલ કુકરાણીના માતા રેશમા મનોજકુમાર કુકરાણી પણ અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના કાઉન્સિલર છે.