જિલ્લા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ઘૂસી રહ્યાં છે. જેના કારણે ઘઉં અને જીરા સહિત રવિપાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. સૂરજગઢમાં આશરે 300 વીઘા જમીનમાં આ કેનાલનું પાણી ફરી વળતાં રવિપાકને નુકસાન થયું છે. તેમજ થૂલેટા ગામમાં પણ 500 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નર્મદા કેનાલનું પાણી ખેડૂતો માટે બન્યુ જોખમી..... - નીતિન પટેલ ન્યૂઝ
અમદાવાદઃ જિલ્લાના વિરમગામ તાલુકાના એક ગામમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેના કારણે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખેડૂતોએ તંત્રમાં રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વાર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતો મોંઘા ખાતર અને બીયારણ માટે વ્યાજે રુપિયા લાવી રવિપાક લીધો હતો. ત્યારે કેનાલનું પાણી પાકમાં ફરી વળતાં ખેડૂતોમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે. જેની સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે," નર્મદા કેનાલનો સૂરજગઢ પાસે કાચો વહેળો હતો. તેમાં ભંગાણ થતાં કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યાં હતાં. જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ અહેવાલ મંગાવામાં આવ્યો છે."