અમદાવાદઃગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન 3,193.53 કરોડ રૂપિયાના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી મળી છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ પરિયોજનાઓને લીલીઝંડી આપી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ 50,013 કરોડ રૂપિયાના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઈને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટિફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે. અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃRajkot Marketing Yard: વરસાદની આગાહીને પગલે યાર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય
કેન્દ્રિય પ્રધાને રાજ્યસભામાં આપ્યો જવાબઃ કેન્દ્રિય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઊઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં પૂર્ણ થયેલા/નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી 3થી 5 વર્ષ માટે રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માગી હતી.