ગુજરાત

gujarat

ETV Bharat / state

મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ - ગુજરાત ન્યૂઝ

દેશમાં હજૂ કોરોના વાઇરસ અટકવાનું નામ નથી લહી રહ્યો, ત્યાં તો ગુજરાતમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોમાં મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીએ પગપેસારો કર્યો છે. યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો આ બીમારી જીવલેણ સાબિત પણ થઇ શકે છે. ગુજરાતમાં અનેક શહેરોમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધતા લોકોએ પોતાની આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસની બીમારી એટલી ગંભીર છે કે, દર્દીને સીધા ICUમાં શિફ્ટ કરવા પડે છે.

Mucor mycosis in Ahmedabad
Mucor mycosis in Ahmedabad

By

Published : May 15, 2021, 4:58 PM IST

  • મ્યુકોરમાઈકોસીસ બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે
  • કોરોનાની સારવાર બાદ સૌથી વધુ લોકોને થઈ છે આ બિમારી
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
  • 24 કલાક રાઉન્ડ ધ કલોક થઇ રહ્યું છે ઓપરેશન

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ મ્યુકોર માઇકોસીસનો ખતરો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં વધુ એક બીમારી પોતાનો કહેર મચાવી રહી છે. મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થનારા લોકોમાં મ્યુકોરમાઇકોસીસની બીમારી જોવા મળી રહી છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસીસના 900થી વધારે કેસ જોવા મળી રહ્યા છે. દેશ અત્યારે કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે, ત્યારે મ્યુકોરમાઇકોસીસ નામના જીવલેણ વાઈરસે કહેર મચાવવાનું શરૂ કર્યુ છે.

અમદાવાદમાં મ્યુકોર માઈકોસીસનો ખતરો વધ્યો

આ પણ વાંચો : મ્યુકરમાઈકોસીસ માટે ઈન્જેક્શન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય હિંમતસિંહ પટેલે CMને પત્ર લખ્યો

કેવી રીતે ફેલાય છે મ્યુકોર માઈકોસીસ

મ્યુકોરમાઈકોસીસ નામની આ ગંભીર બીમારી કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોમાં જોવા મળી રહી છે. જે દર્દીને કોરોના નામની બીમારી થઇ હોય તથા દર્દીને ડાયાબિટીસ હોય કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય અને દર્દીનું બ્લડસુગર લેવલ કંટ્રોલમાં ન હોય તો દર્દીનું ઇમ્યુનિટી પ્રમાણ ઓછુ થવાથી મ્યુકોરમાઇકોસીસ બીમારી થવાનો ભય રહે છે. મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની મુશ્કેલી વધી છે. આ રોગની સારવાર માટે ઉપયોગી દવાની અછત પણ માર્કેટમાં જોવા મળી રહી છે. કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ફેલાયેલો મ્યુકોરમાયકોસીસ નામનો ફુગનો રોગ હાલ આરોગ્ય વિભાગ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કોરોના વચ્ચે આ ચેપી અને જીવલેણ રોગને કાબૂમાં લેવો પડકારજનક છે. કારણ કે મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગી એમફોટેરિસીનના ઇન્જેક્શનની પણ ભારે અછત થઇ છે. જેના કારણે આ ઇન્જેક્શનો લેવા માટે દર્દીઓનાં પરિવારોને મેડિકલ સ્ટોરનાં ધક્કાં ખાવા પડી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસીસ માટેની દવા એમફોટેરીસીનનો સતત 28 દિવસ કોર્સ કરવો પડે છે અને તેમાં એક દિવસમાં સાતથી આઠ વખત ઈન્જેક્શનનનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવા પાછળ એક દર્દીને 15 લાખ જેટલો ખર્ચ થતો હોય છે પણ હાલ આ દવાની તંગી હોવાથી તેની સારવાર કરવી તબીબો માટે પડકારજનક સાબિત થઈ રહી છે.

અમદાવાદ સિવિલ

આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસનો પગપેસારો, 17 એક્ટિવ કેસ નોંધાયા

અમદાવાદ શહેરામ કેટલા નોધાયા કેસ ?

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 દર્દી મ્યુકોરમાઇકોસીસની સારવાર લઇ રહ્યા છે. અમદાવાદ સિવિલમાં દરરોજ અંદાજીત 30થી 40 કેસ આ બીમારીના નોંધાઇ રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસથી 30 ટકા દર્દીના મોત થાય છે. હાલ કોરોનાથી સાજા થયેલા દર્દીની સાથે મોટે ભાગે ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓ મ્યુકોરમાઈકોસીસની બીમારીમાં સપડાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલમાં એક જ દિવસમાં આવા એટલે કે 13/05/2021ને ગૃરુવારે 80 દર્દીઓ દાખલ હતા. શુક્રવાર સુધી 221 દર્દી દાખલ હતા. જોકે શુક્રવારે સાંજ સુધીમાં કુલ દાખલ દર્દીઓની સંખ્યા 296 ઉપર પહોંચી ગઈ હતી.

અમદાવાદ

છેલ્લા 5 દિવસમાં માત્ર 30 જેટલા જ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

હાલ સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે કુલ 6 વૉર્ડ કાર્યરત થઈ ગયા છે. જ્યારે આજે શનિવારે નવા 40 દર્દીઓ દાખલ થયા છે. એટલે હાલ સિવિલમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની સંખ્યા 300ને પાર પહોંચી છે. તો બીજી તરફ છેલ્લા 5 દિવસમાં માત્ર 30 જેટલા જ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મ્યુકોરમાઈકોસીસના રાઉન્ડ ધ કલોક થઈ રહ્યા છે ઓપરેશન

સિવિલમાં મ્યુકોર માઈકોસીસના વર્ષ દરમિયાન માત્ર 10 ઓપરેશન થતાં હતા. જોકે અત્યારે સ્થિતિ એટલી હદે ભયંકર થઈ છે કે, રોજના 24 કલાક ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. એટલે રાઉન્ડ ધ કલોક ઓપરેશન દરરોજના 25થી 30 કરવામાં આવી રહ્યા છે. કેટલાક ગંભીર દર્દીઓને અંધાપો આવ્યો છે. મ્યુકોરમાઈકોસીસના ઈજેક્શન પણ બજારમાં ક્યાંય ઉપલબ્દ્ધ નથી. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. જેના કારણે ખાનગી હોસ્પિટલ દર્દીને દાખલ કરી રહ્યા છે. તો બીજી તરફ દર્દીઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે. ENT વિભાગના હેડને પૂછવામાં આવ્યું, ત્યારે તેમને જણાવ્યું કે, એક જ દિવસમાં સિવિલમાં 80 જેટલા દર્દી ઓપીડીમાં નોંધાયા છે. સિવિલમાં મ્યુકોરમાઈકોસીસના 5 ઓપરેશન થિયેટર શરુ કરવામાં આવ્યા છે. જે 24 કલાક કાર્યરત છે, રાઉન્ડ ધ ક્લોક ઓપરેશન થઈ રહ્યા છે. દર્દીની ગંભીરતા જોઈને જરૂરિયાત પ્રમાણે તબક્કાવાર સારવાર કરવામાં આવી રહી છે.

મૃત્યની ટકાવારી નહિવત - સિવિલ

દર્દી વહેલા સારવાર માટે પહોચી જાય તો મૃત્યુની ટકાવારી નહીવત છે. મ્યુકોર માઇકોસીસની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે, પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે. દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકોર માયકોસીસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકોરમાઈકોસીસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.

ABOUT THE AUTHOR

...view details