અમદાવાદ:મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સુઓમોટો કરવામાં આવી છે તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજની શું સ્થિતિ છે તેવા પણ હાઇકોર્ટે સવાલ કર્યા હતા. ચોમાસા પહેલા તમામ બ્રિજોને રીપેરીંગ કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યા છે.
રાજ્યમાં આવેલા બ્રિજની સ્થિતિ:મોરબીમાં આવેલા ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓક્ટોબર મહિનામાં 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વાર સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં સરકાર દ્વારા રાજ્યમાં આવેલા બ્રિજની સ્થિતિ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. બ્રિજની સ્થિતિને લઈને સમગ્ર મામલે હાઇકોર્ટ રાજ્ય સરકારને અનેક સવાલો કર્યા હતા.
બ્રિજ તૂટે તો કોની જવાબદારી: સરકારના એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજમાંથી ઘણાનું સમારકામ બાકી છે તો ઘણા બધા બ્રિજોનું સમારકામ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટ સરકારને સવાલ કર્યા હતા કે આવા પ્રકારના બ્રિજનું સમારકામ બાદ ખુલ્લો મુકવામાં આવે છે ત્યારે કેવા પ્રકારના માપદંડો હોય છે ક્યાં માપદંડોને આધારે તેમને ખુલ્લા મુકવામાં આવે છે? જે પણ બ્રિજનું સમારકામ થઈ જાય છે તે અંગેના બ્રિજનો પાછળથી રિપોર્ટ લેવામાં આવે છે કે કેમ ? કેબલ બ્રિજને કોની મંજૂરી વગર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો ? મ્યુનિસિપલની વિસ્તારમાં જો બ્રિજ તૂટે તો કોની જવાબદારી બને છે? આ સાથે જ હાઇકોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે શહેરી વિસ્તારોમાં જો આવા પ્રકારની દુર્ઘટના બને છે આ અંગે જવાબદારી કોની?