અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપને મોટો આદેશ આપ્યો છે. જેમાં દુર્ઘટનાના કારણે પતિ ગુમાવનાર વિધવા બહેનો માટે નોકરી તથા પોતાના સંતાનો ગુમાવનાર વૃદ્ધ માતા-પિતાઓ માટે પેન્શન-સ્ટાઈપેન્ડ સહિતની વ્યવસ્થા કરવા ઓરેવા ગ્રુપને જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ સુનિલ અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચ 30 ઑક્ટોબર, 2022ની ઘટના પર સુઓમોટો પીઆઈએલની સુનાવણી કરી રહી હતી, જેમાં ઝૂલતો બ્રિજ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કંપનીએ પીડિતોને ટેકો બનવું પડશે:કોર્ટે જણાવ્યું હતું કે વિધવાઓને નોકરી આપો અથવા જો તેઓ નોકરી કરવા માંગતા ન હોય તો સ્ટાઈપેન્ડ આપો. તમારે જીવનભર તેમને ટેકો આપવો પડશે. તમે તેમનું જીવન સંપૂર્ણપણે ઉથલપાથલ કરી દીધું છે. એવી સ્ત્રીઓ છે જેમણે ક્યારેય કામ કર્યું નથી, ક્યારેય તેમના ઘરની બહાર ગયા નથી. તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો કે તેઓ તેમના ઘરની બહાર આવે અને ક્યાંક કામ પર જાય?"
વૃદ્ધોને આજીવન પેન્શન આપો:જ્યારે કંપનીએ દાવો કર્યો હતો કે તે અનાથ અને વિધવાઓની સંભાળ લઈ રહી છે. ત્યારે હાઈકોર્ટ એ જાણવા માંગે છે કે તે વૃદ્ધ પુરુષો વિશે શું કરી રહી છે કે જેમણે તેમના નાના પુત્રો ગુમાવ્યા જેના પર તેઓ આશ્રિત હતા. કોર્ટે કહ્યું કે જે વૃદ્ધ પુરુષો કે તેમના પુત્રોની કમાણી પર નિર્ભર હતા તેમના માટે શું આધાર છે? તેમને આજીવન પેન્શન આપો. કોર્ટે જણાવ્યું કે એક વખતનું વળતર તમને મદદ કરશે નહીં. કૃપા કરીને તેને ધ્યાનમાં રાખો. આ જીવન માટે એક ઘા છે. એક વખતનું વળતર કદાચ તેમને મદદ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય. કંપનીએ આ માટે સતત ખર્ચ કરવો પડશે.”
ટ્રસ્ટની રચના કરવાનો નિર્દેશ:હાઈકોર્ટની બેન્ચે એવું પણ અવલોકન કર્યું હતું કે અસરગ્રસ્ત લોકોને વળતરની વહેંચણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવે, કારણ કે કોર્ટ માટે વર્ષો સુધી પ્રક્રિયાની દેખરેખ રાખવી શક્ય નથી. તેણે સરકારને એવી રીતો સૂચવવા પણ કહ્યું કે જેના દ્વારા પીડિતોના સંબંધીઓની જરૂરિયાતો પૂરી કરી શકાય. હાઈકોર્ટે મોરબી કલેક્ટરને કંપની સાથે સંકલન કરવા અને પ્રવર્તમાન સ્થિતિ તેમજ પીડિત પરિવારની સ્થિતિ અને નાણાકીય સ્થિતિ અને તેમને કેવા પ્રકારની સહાયની જરૂર છે તે અંગેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
- અમદાવાદમાં સાંસદો, ધારાસભ્યો અને મેયર દ્વારા દેખાવો કરાયાં, શું હતો મુદ્દો જૂઓ
- રાજકોટમાં ભાજપના કોર્પોરેટર આકરા પાણીએ, રોડના બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા