નિકોલના ઉપવાસ મુદ્દે કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલ રહ્યા ગેરહાજર અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદના નિકોલમાં આમરણાંત ઉપવાસ મુદ્દે હાર્દિક પટેલ અને બીજા નવ લોકોએ પોલીસ સાથે જે ગેરવર્તણૂક કરી હતી. તે મામલે હાર્દિક પટેલ અને બીજા નવ લોકો સામે ચાર્જશીટ દાખલ થઈ હતી. ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને સમન્સ પાઠવીને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ધારાસભ્ય હાર્દિક પટેલ ગઈકાલે કોર્ટમાં ગેરહાજર રહ્યો હતો.
શું હતો સમગ્ર મામલો : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે નિકોલમાં ઉપવાસ પર બેસવા બાબતે પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એ કેસ બાબતે ગ્રામ્ય કોર્ટે સમન્સ પાઠવતા હાજર રહેવાનું કહ્યું હતું. જોકે ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર થયો ન હતો. હાર્દિક પટેલના વકીલની રજૂઆત હતી કે, હાર્દિક પટેલ બીમાર હોવાથી તેઓ હાજર રહી શક્યા નથી. આ સાથે જ હાર્દિક પટેલના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ પણ કોર્ટમાં ધ્યાને મૂકવામાં આવ્યો હતો.
કોર્ટે કરી ટકોર : જોકે આ કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ટકોર કરી હતી કે, અમે મેડિકલ પુરાવા નહીં પરંતુ હાર્દિક પટેલને હાજર રાખવા સમન્સ ઇશ્યૂ કર્યું છે. સમન્સ પાઠવ્યું છતાં હાર્દિક ગેરહાજર રહે તે નવાઈની વાત છે. આ સમગ્ર કેસ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ ગેરહાજર રહેતા ફરી મુદત પડી છે. હવે આગામી મુદતે તમામ આરોપીઓ સામે ચાર્જફ્રેમ થશે.
જામીન લાયક વોરંટ : આ સમગ્ર મામલે એડવોકેટ અરવિંદ વાણીયાએ જણાવ્યું હતું કે, આજના કેસના કાર્યવાહીમાં એવું હતું કે બધા આરોપીઓનો ચાર્જફ્રેમ કરવાનો હતો. અમારા તરફથી જે બધા આરોપીઓ હતા તે હાજર હતા, પરંતુ બીજા કેસમાં હાર્દિક પટેલને હાજર થવાનું હતું, ગઈ મુદ્દતે તેમને જામીન લાયક વોરંટ કાઢ્યું હતું. જે તેમને મળી ગયું છે. તેમના વકીલ દ્વારા મેડીકલ ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો છે તે એક્સેપ્ટ થશે કે નહીં તે પછી ખબર પડશે.
સરકાર અમને હેરાન કરવા માંગે : આ કેસના આરોપી અને પાટીદાર આગેવાન ગીતા પટેલ જણાવ્યું હતું કે, પ્રતીક ઉપવાસના પ્રોગ્રામની વખતે સરકારે અમને પરમિશન આપી ન હતી, ત્યારે અમને ધરણા પણ કરવા દીધા ન હતા. એક રીતે જોવા જઈએ તો ઇલેક્શન જ્યારે આવે છે, ત્યારે સરકારે એવું કહેતી હોય છે કે અમે કેસ બધા પાછા ખેંચી લીધા છે, પરંતુ તેમ છતાં પણ આજે અમારે બધાએ કોર્ટના પગથિયાં ચડવા પડે છે. અમને શોર્ટ મુદતો આપીને હેરાન પરેશાન પણ કરવામાં આવે છે. આ કેસો ખોલીને સરકાર અમને હેરાન કરવા માંગતી હોય એવું લાગે છે. સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ અમે મુદત ભરી રહ્યા છીએ.
આ પણ વાંચો :Ahmedabad Rural Court : હાર્દિક પટેલ હાજીર હો... નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ
સમગ્ર માહોલ પર નજર :વર્ષ 2015માં સમગ્ર ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલન થયું હતું. તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. જોકે પાટીદાર અનામત આંદોલન સમયે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા અને મૃત્યુ પણ પામ્યા હતા. વર્ષ 2018માં અમદાવાદમાં નિકોલ ખાતે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. હાર્દિક પટેલ તેમજ અન્ય 9 વ્યક્તિઓ નિકોલ પર આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલાં જ હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરાઈ હતી. ત્યારબાદ તેમની સામે ગુનો નોંધાયો હતો. આ સાથે જ વર્ષ 2018માં પોલીસ સાથે ગેરવર્તણુકની ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં હાર્દિક પટેલની સાથે પોલીસે ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો :Junagadh News : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને છ માસની સજા
ગ્રામ્ય કોર્ટ દ્વારા સમન્સ : આ કેસને લઈને હાર્દિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ ગીતા પટેલ કિરણ પટેલ સામે સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ કેસમાં ગીતા પટેલ સહિત કોર્ટમાં અન્ય આરોપીઓ હાજર રહ્યા હતા. પરંતુ હાર્દિક પટેલ હાજર ન રહેતા અન્ય આરોપીઓમાં રોષ જોવા મળ્યો હતો. વારંવાર મુદતથી પરેશાન થતા આરોપીએ રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર મામલે 22મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે, ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર થશે કે નહીં તેના પરથી કોર્ટની કાર્યવાહી આગળ વધશે.