અમદાવાદઃબાળકોને મધ્યાહન ભોજન યોજના(Midday Meal Scheme) હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરસમજ કેટલાક વિસ્તારોમાં નાગરિકોમાં પ્રવર્તી રહી છે. રાજ્ય સરકારની સૂચનાથી આ બાબતને ગંભીરતાથી લઈનેફુડ રિસર્ચ લેબોરેટરી (FRL), ગાંધીનગર દ્વારા આ મામલે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામા આવ્યા છે. આ ચોખા પ્લાસ્ટિકના ચોખા નહિ પરંતુ પોષણયુક્ત ફોર્ટિફાઇડ ચોખા (Nutritious fortified rice)છે. બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા મૂળભૂત ચોખામાં પ્રોસેસ કરી પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે તેમ લેબોરેટરી ટેસ્ટના અંતે ફુડ રિસર્ચ લેબોરેટરીના (Food Research Laboratory )પ્રોજેક્ટ હેડ તેમજ ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી.સંઘવીએ જણાવ્યું છે.
મુળ ચોખાના દાણા કરતા સહેજ જુદા રંગના
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના (Department of Food and Civil Supplies)નિયામક તુષાર ધોળકિયાએ આ અંગે વધુ વિગત આપતા કહ્યું છે કે, ફોર્ટિફાઇડ ચોખામાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ - ફોલીક એસીડ (વિટામીન B9), વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરવામાં આવે છે. નાગરિક પુરવઠા નિગમના એક્ઝક્યુટિવ ડાયરેકટર સંજય મોદીએ જણાવ્યું કે, માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ ચોખા મુળ ચોખાના દાણા કરતા સહેજ જુદા રંગના-થોડા પીળાશ પડતા અને આકારમાં પણ થોડા જુદા હોય છે.
દેશમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો
ભારત સરકાર દ્વારા એપ્રિલ-2021થી સમગ્ર દેશમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના (MDM) હેઠળ વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરી છે. ચોખાના જ લોટમાંથી ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે. તેમાં માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ - ફોલીક એસીડ, વિટામીન B12 તથા આર્યનની માત્રા ઉમેરી, તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણા તૈયાર કરવામા આવે છે. તેને તાંત્રીક ભાષામાં FRK (Fortified Rice Kernel) કહેવામા આવે છે. આ ફોર્ટિફાઈડ ચોખા મૂળ ચોખામાં 100:1 ના પ્રમાણમાં ઉમેરવામાં આવે છે.