ગુજરાતમાં ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે ? અમદાવાદ : ગુજરાત રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. હાલ કોઈ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો નથી. જોકે, હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ અત્યારે સક્રિય પણ નથી. આ અંગે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. આ ઉપરાંત હવામાન વિભાગે માહિતી આપી હતી કે, ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. જે હટતાની સાથે જ તાપમાન વધવાની પણ સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. જોકે, હળવા વરસાદી છાંટા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક હળવા છાંટાની શક્યતાને નકારી શકાય નહીં. જોકે, હાલ માછીમારો માટે દરિયો ખેડવા અંગે કોઈ સૂચના આપવામાં આવી નથી.
વરસાદનો ચોથો રાઉન્ડ : ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી વેરનાર વરસાદ હવે છેલ્લા કેટલાક સમયથી શાંત મુદ્રામાં જોવા મળી રહ્યો છે. હવે વરસાદનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તે અનુમાન લગાવવું અત્યારે શક્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે વરસાદી વિરામ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને હાશકારો થયો છે.
ગુજરાતમાં વરસાદ હવે ઘણો ઓછો થશે. પરંતુ બીજી તરફ ગુજરાતમાં તાપમાન વધવાની શક્યતા છે. હાલના તાપમાન પ્રમાણે એકાદ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં વાદળો હટી શકે છે. જેના કારણે ધીરે ધીરે તાપમાનનો પારો વધશે.-- મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
સિઝનનો સરેરાશ વરસાદ :આ ઉપરાંત રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલો મુજબ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જોકે, હાલ વરસાદી માહોલને કારણે વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં વરસાદ કેવો મિજાજ બદલે છે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ હવે ગુજરાતના લોકોએ અતિભારે વરસાદથી જે નુકસાન વેઠ્યું છે. એને જોતાં આવનારા સમયમાં વધુ વરસાદ ન આવે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
- Gujarat Monsoon 2023 : ગુજરાતના જળબંબાકાર કરનાર મેઘો હવે આવનારા દિવસોમાં વિરામ લઈ શકે ?
- Gujarat Monsoon 2023 : આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારો જોગ મહત્વપૂર્ણ સૂચના