માનસિક અસ્થિર યુવતીના ગર્ભપાત માટે સેશન્સ કોર્ટમાં રિટ દાખલ કરાઈ - abortion
અમદાવાદઃ નવરંગપુરા સ્ટેડિયમ પાસેથી મળી આવેલી ૨૫ વર્ષીય માનસિક અસ્થિર યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવતા તેને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી હતી. યુવતી ગર્ભવતી હોવાથી અને તે આવનારા બાળકની સંભાળ લેવામાં અસક્ષમ હોવાથી સરકારે તેના ગર્ભપાત માટે સિટી સેશન્સ કોર્ટના જજ એમ.સી. ત્યાગી સમક્ષ અરજી કરી છે.
આ કેસની વિગત પ્રમાણે 1જૂનના રોજ નવરંગપુરા સ્ટેડિયમ નજીકની ફૂટપાથ પર એક માનસિક અસ્થિર યુવતી દયનીય હાલતમાં જોવા મળી હતી. આ અંગે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા નવરંગપુરા પોલીસે યુવતીને મેન્ટલ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ માટે મૂકી હતી. યુવતી અસ્પષ્ટ ભાષામાં વાત કરતી હોવાથી તેની વાતચીત પરથી તેને રૂબિયા મીઠીસી નામ સામે આવ્યુ હતુ. તેની મેડિકલ ઓબ્ઝર્વેશનમાં પણ મૂકવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે યુવતી માનિસક અસ્થિર હોવાથી તેના પરિવાર અને વતન વિશે માહિતી મળી શકી નથી. તેની વાતચીત પરથી લાગી રહ્યું છે કે તે ગુજરાતની વતની નથી. તબીબોની સમિતિ સાથેની વાતચીત દરમિયાન તેણે પણ ઇચ્છા વ્યક્ત કરી છે કે તે ગર્ભાવસ્થા યથાવત રાખવા માગતી નથી. તેથી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી કાયદા પ્રમાણે તેના ગર્ભપાતને મંજૂરી મળવી જોઇએ.