અમદાવાદજુદી જુદી હોસ્પિટલોમાં સારવારનાં બિલોથી 23 લોકોના ક્લેમ કરી વીમા કંપની સાથે 24 લાખની ઠગાઈ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડકરવામાં આવી છે. 30થી વધુ આરોપીઓએ એક ઇન્સ્યોરન્સ કંપની (Insurance Company in Ahmedabad) સાથે આ પ્રકારનું કૌભાંડઆચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સાબરકાંઠા-પાટણની હોસ્પિટલો બતાવી હતી અને કંપનીએ તપાસ કરી તો આવી કોઈ હોસ્પિટલ ન હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે ચિરાગ આહીર નામના યુવકની ધરપકડ કરાઈ છે.
ગુનામાં સામેલ આ આરોપીએ તેના અન્ય મળતિયાઓ સાથે મળીને 24 લાખની ઠગાઇ આચરી હોવાનું સામે આવતા જ નવરંગપુરા પોલીસે (Navrangpura Police ahmedabad) ગુનો નોંધ્યો અને એક આરોપીની ધરપકડ કરી. આરોપીઓ જે હોસ્પિટલો અસ્તિત્વમાં જ નથી તેવી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય તેવા બોગસ દસ્તાવેજો બનાવી 23 જણના ક્લેમ કરી ઇન્સ્યોરન્સ કંપનીમાંથી 23.89 લાખનું ફુલેકું ફેરવ્યું. પકડાયેલ આરોપી સાથે ભાવનગરના સંજય ખીમાણી, કિશોર કામલિયા, મહેસાણાનાં અમી પટેલ, અમદાવાદના નેહા કુચ્છા અને લક્ષ્મી શર્મા પણ આ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલ નહીં હોવાનું પ્રકાશમાં વીમા કંપનીમાંથી એક મહિલાએ પોલિસી લીધી હતી અને તેમણે રૂપિયા 89,634 નો ક્લેમ કર્યો હતો. જેમાં તેમણે બનાસકાંઠાના ભગવાન ગઢ ગામમાં આવેલી એક હોસ્પિટલમાં પગના સ્નાયુના ઇજાની સારવાર લીધેલાં બિલો રજૂ કર્યાં હતાં.જો કે કંપનીએ બનાસકાંઠા જઈ તપાસ કરતાં આવી કોઈ હોસ્પિટલ નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આથી મહિલાએ ક્લેમ પાછો ખેંચી લીધો હતો. આ સિવાય ચિરાગ પટેલે વીમા કંપનીમાં રૂપિયા 99,999નો ક્લેમ કર્યો હતો.