અમદાવાદ: અમેરિકા જેવા દેશમાં લોકોના ઘરમાં હથિયાર હોય તે ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ ભારતમાં પરવાનગી વિના હથિયારો લઈને ફરવું જે હથિયાર રાખવું તે ગુનાહિત કૃત્ય છે અને જેના માટે કાર્યવાહી પણ સતત કરવામાં આવતી હોય છે. તેવામાં અમદાવાદ શહેરમાંથી હથિયાર મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છ, પરંતુ આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક જ વ્યક્તિ પાસેથી ત્રણ ઘાતક હથિયારો ઝડપી લેતા કોઈ મોટા ગુનાનો અંજામ અપાયા પહેલા અટકાવી દેવાયો છે તેવું ચોક્કસથી કહી શકાય.
એક બે નહીં ત્રણ હથિયાર મળી આવ્યાં :ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અવારનવાર અલગ અલગ વિસ્તારોમાંથી દેશી બનાવટના તમંચા, પિસ્ટલ તેમજ રિવોલ્વર સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે. તેવામાં ફરી એકવાર હથિયાર સાથે એક ગેરેજ ચલાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આરોપી મિકેનિક પાસે એક બે નહીં ત્રણ હથિયાર મળી આવતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી શાહનવાઝ આલમ ઉર્ફે નિપીન પઠાણ : ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રખિયાલ નાગરવેલ હનુમાન મંદિર પાસે આંબાવાડીના છાપરા વિસ્તારમાં આવેલા એક ગેરેજ ચલાવતા શાહનવાઝ આલમ ઉર્ફે નિપીન પઠાણ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી તપાસ કરતા તેના ખિસ્સામાંથી એક પીસ્ટલ અને 6 કારટીઝ મળી આવ્યા હતા, જેથી આરોપીના ગેરેજમાં વધુ તપાસ કરતા એક અન્ય પીસ્ટલ અને તેમજ એક દેશી બનાવટનો તમંચો અને મેગેઝીન મળી આવ્યું હતું.