અમદાવાદ: વૈભવી કારની ચોરી માટે ગજબ તરકીબ અજમાવતા ટેક્નોસેવી ચોરની ક્રાઇમ બ્રાન્ચે રૂ. 17 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી ચાર રાજ્યમાં કાર ચોરીનું નેટવર્ક ધરાવે છે. કારની ચોરી માટે આરોપી સર્વિસ સેન્ટરમાં પડેલી કારમાં GPS ફીટ કર્યા બાદ તે કારની ચાવી કી સ્કેનર મશીનમાં સ્કેન કરી લેતો હતો. બાદમાં ડુપ્લીકેટ ચાવી બનાવી આરોપી કાર સર્વિસ સેન્ટરમાંથી બહાર નીકળે એટલે GPSથી કારનું લોકેશન જાણી ચોરી કરતો હતો.
અમદાવાદમાં કારની ચોરી માટે MBA કરેલા ચોરે પોલીસને ગોથે ચઢાવી
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા, પીએસઆઈ એસ.પી.ગોહીલ અને એ.પી.જેબલીયાની ટીમે બાતમીના આધારે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગુરુવારે સત્યેન્દ્રસિંહ ઉર્ફે દક્ષ ઉર્ફે સંજયસિંહ ઇન્દ્રસિંહ શેખાવતને ચોરીની રૂ.15 લાખની સફેદ સ્કોર્પિયો કાર સાથે ઝડપ્યો હતો. જેમાં આરોપી પાસેથી રૂ.2 લાખનું ચાવી બનાવવાનું ઇલેક્ટ્રોનિક મશીન વાયર ટુલ્સ સાથેનું, પાંચ જીપીએસ રૂ.20 હજાર, પાવર સપ્લાય રૂ. 4 હજાર, જીઓ કંપનીના વાઇફાઇ ડોંગલ બે રૂ.3 હજાર, 3 મોબાઈલ રૂ.9 હજાર અને 4 ચીપ અને 5 ચાવી મળી કુલ રૂ.17,37,900નો મુદ્દામાલ પકડાયો હતો. જીતેન્દ્રએ પોલીસ તપાસમાં ગાજીયાબાદથી સ્કોર્પિયો કાર ચોર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત રાણીપથી 1, ગાંધીનગરથી 1, રાજસ્થાન બિકાનેરથી 1 અને બેંગ્લોરથી 3 મળી કુલ 6 સ્કોર્પિયો કાર ચોરી, જામનગરથી ફોર્ચ્યુનર, વડોદરાથી કીયા સેન્ટોસા, ચેન્નાઈથી મર્સીડીઝ અને દીવથી ફોર્ચ્યુનર કાર મળી કુલ 12 જેટલી કાર ચોરીની કબૂલાત કરી હતી.
ઘટનાની વિગત મુજબ જીતેન્દ્રસિંગ વૈભવી કારના સર્વિસ સેન્ટરમાં જતો હતો. જ્યાં ગાર્ડની નજર ચૂકવી કારમાં જીપીએસ મુકતો હતો. કારની ચાવી કી સ્કેનર મશીનમાં સ્કેન કરતો અને ત્યાંથી નીકળી જતો હતો. બાદમાં સ્કેન ડેટાના આધારે કી કટર મશીનમાં બ્લેન્ક ચાવી નાખી સ્કેન કરેલા ડેટા મુજબ ડુપ્લીકેટ ચાવી બનાવતો હતો. કાર સર્વિસ સેન્ટરમાંથી બહાર નીકળે એટલે તેમાં મુકેલ જીપીએસ આધારે કારનું લોકેશન મેળવી લેતો હતો. જે તે જગ્યાએ કાર પડી હોય ત્યાં પહોંચી કારની ચોરી કરતો હતો. યુટ્યુબ પર વીડિયો જોઈ આધુનિક ટેકનોલોજીથી પ્રેરાઈને તેને ચેન્નઈથી બે લાખ રૂપિયામાં કી, કટર મશીન અને સેન્સર મંગાવ્યા અને ત્યાર બાદ કાર ચોરી કરવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હતો. જીતેન્દ્ર પોલીસથી બચવા સીમકાર્ડ વગર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. આરોપી જીઓના ડોંગલથી વાઈફાઈ મોબાઈલમાં કનેક્ટ કરી લાઈન,વાઈબર અને વોટ્સએપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી મેસેજ અને ફોન કરતો હતો. કારની ચોરી કર્યા બાદ આરોપી તે સ્થળે કાચના ટુકડા ફેંકતો અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખી કાર લઈ નીકળતો હતો. જેથી તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોને એવું લાગે કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો હાથ ચોરીમાં છે.
આમ પોલીસ બીજી જગ્યાએ તપાસ કરે અને પોતે પકડાય નહીં. કારની ચોરી બાદ આરોપી ગમે ત્યાં કાર પાર્ક કરતો હતો. બાદમાં 20 થી 25 કલાકમાં ત્યાંથી કાર હટાવી લેતો હતો. ચોરીની કાર એક સ્થળેથી બીજા સ્થળે મુકવા માટે આરોપી જીતેન્દ્ર ઓનલાઇન ઍપથી ડ્રાઇવરનો મોબાઈલ નંબર લઈ તેમને બોલાવી લેતો હતો. જીતેન્દ્ર અગાઉ કાર ચોરીના ગુનામાં 2014માં પકડાયો હતો. પાસા હેઠળ પણ જેલમાં જઇ આવ્યો છે. તેમજ દિલ્હીમાં 2017માં કાર ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.