ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના આંગણે માટી કલા મહોત્સવ યોજાયો, સ્થાનિક કલાકારોને મળ્યો સરકારનો સહયોગ - ખાદી

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે માટી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માટી કલા મહોત્સવમાં માટીકામ, ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને કારીગરોને આધુનિક સાધન સામગ્રી આપવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય ગૃહપ્રધાન, MSME રાજ્યપ્રધાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના આંગણે માટી કલા મહોત્સવ યોજાયો
અમદાવાદના આંગણે માટી કલા મહોત્સવ યોજાયો

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 11:50 AM IST

Updated : Dec 3, 2023, 2:28 PM IST

અમદાવાદના આંગણે માટી કલા મહોત્સવ યોજાયો,

અમદાવાદ :કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા અમદાવાદના આંગણે માટી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટી ખાતે આયોજિત માટી કલા મહોત્સવમાં માટીકામ, ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, MSME રાજ્યપ્રધાન ભાનુ પ્રતાપસિંહ વર્મા અને જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.

માટી કલા મહોત્સવ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખાદી અને માટી કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. માટી કલા મહોત્સવમાં માટીકામ, ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને 300 ઇલેક્ટ્રિક પોટર વ્હીલ્સ, 40 એગ્રો બેઝડ ફૂડ ઇન્ડસ્ટ્રી પ્રોસેસિંગ ટૂલ કીટ, 40 અગરબત્તી મશીન, 20 પ્લમ્બિંગ કિટ, 200 પારંપરિક ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમિત શાહનું ઉદબોધન : માટી કલા મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ખાદીને આઝાદી આંદોલન સાથે જોડીને ગરીબોને ખાદીના માધ્યમથી રોજગારી આપવાનું મોટું કામ કર્યું હતું. જેનાથી દેશમાં સ્વદેશી સાથે સ્વરાજની ભાવના વિકસાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ખાદી ક્ષેત્રને પુનર્જીવિત કરવાનું મહત્વનું કામ કર્યું છે. વડાપ્રધાને વોકલ ફોર લોકલના મંત્ર સાથે દેશમાં સ્વદેશી અને રોજગારને જોડવાનું કામ કર્યું છે.

સ્થાનિક કલાકારોને મળ્યો સરકારનો સહયોગ

ભારતમાં ખાદીનું ટર્નઓવર : આજે દેશમાં ખાદીનું ટર્ન ઓવર ત્રણ ગણું વધ્યું છે અને કરોડો લોકોને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવતો ખાદી ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યો છે. વર્ષ 2022-23 માં દેશમાં ખાદીનો કુલ વેપાર રુપિયા 1,35,000 કરોડને પાર થયો છે. જેમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક લાખ લોકોનું યોગદાન રહ્યું છે.

સેન્ટ્રલ સ્લાઈવર પ્લાન્ટ : અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં ખાદી, માટીકામ અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને આપવામાં આવેલી આધુનિક સાધન સામગ્રી તેમને આજીવિકા પૂરી પાડવા સાથે ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવશે. આજે થ્રીસુર ખાતેના 30 વર્ષ જૂના, નવીનીકરણ પામેલા સેન્ટ્રલ સ્લાઈવર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલો આ પ્લાન્ટ ખાદીના ઉત્પાદન અને ખાદીની ક્વોલિટીને અનેકગણી વધારશે.

8 નવી સબ-પોસ્ટ ઓફિસનું લોકાર્પણ : આ પ્રસંગે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ-પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા આ વિસ્તારના નાગરિકોને પોસ્ટ અને બેન્કિંગ સેવાઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ગાંધીનગર લોકસભાના ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારમાં 2 લાખથી વધુ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતા, 66 હજારથી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા, 14 હજાર જેટલા મહિલા સન્માન બચત પ્રમાણપત્ર સહિત 8000 જેટલા પાસપોર્ટ પણ પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે.

8 નવી સબ-પોસ્ટ ઓફિસનું લોકાર્પણ

ખાદી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક : કેન્દ્રીય MSME પ્રધાન નારાયણ રાણેએ જણાવ્યું કે, ખાદી આપણી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક છે. આજે ખાદી ગ્રામીણ ક્ષેત્રે આજીવિકાનું સાધન હોવાની સાથોસાથ કરોડોનું વેપાર ક્ષેત્ર બન્યું છે. દેશમાં કૃષિ બાદ ખાદી આજે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીમાં બીજા નંબરે છે. ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ પછી ખાદી ઉદ્યોગનો બીજા નંબરે ક્રમ આવે છે. SC, ST અને અલ્પસંખ્યક લોકો તથા 70 ટકા જેટલી મહિલાઓની ભાગીદારી ખાદી ઉદ્યોગમાં જોવા મળે છે. ખાદી ઉત્પાદનને આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખાણ મળી છે સાથે જ 20થી વધારે દેશોમાં ખાદીને નિકાસ કરવામાં આવે છે.

ખાદી આત્મનિર્ભર ભારતનું પ્રતીક : ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજકુમારે સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું કે, ખાદી ક્ષેત્રના વિકાસ, વિસ્તાર અને ખાદી કારીગરોના કલ્યાણ અર્થે સરકારની પ્રસંશનીય કામગીરી રહી છે. છેલ્લા 9 વર્ષમાં ખાદી દેશમાં આત્મનિર્ભર ભારતનું પ્રતીક બની છે. ખાદી ક્ષેત્ર દ્વારા દેશમાં આજે 5 લાખ કારીગરોને રોજગાર મળે છે, જેમાંથી 80 % મહિલાઓ છે. આજે ખાદી માત્ર વસ્ત્ર જ નહિ પણ તે અસ્ત્ર અને શસ્ત્ર પણ બની છે. આજે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનના મંત્ર સાથે ખાદી આજે દેશમાં ફેશન સ્ટેટ્સ બની છે.

  1. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત એકસપોર્ટ વાઈબ્રન્ટનું આયોજન, MSME સેક્ટરને મળશે વૈશ્વિક મંચ
  2. પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત, કહ્યું એક અદ્ભુત સિઝનની અપેક્ષા
Last Updated : Dec 3, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details