પતિએ પત્નીને વ્યાજ પર આપ્યા પૈસા અમદાવાદઃઆજકાલના આધુનિક જમાનામાં પણ સંબંધોનું સ્વરૂપ પણ આધુનિક થતું જઈ રહ્યું હોય એવું લાગે છે. પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. દામ્પત્ય જીવનમાં ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે આ પવિત્ર સંબંધમાં દગો, વ્યાભિચાર અને કટુતા આવે છે. ત્યારે કોર્ટનો સહારો લેવો પડતો હોય છે. આવો જ એક વિચિત્ર અને રસપ્રદ કહી શકાય એવો કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં સામે આવ્યો છે.
આ પણ વાંચોઃAhmedabad Crime : સરદારનગરમાં પ્રેમિકા બાબતે બબાલ થતા મિત્રએ મિત્રની કરી હત્યા
પત્નીએ પતિ સામે કર્યો કેસઃ આ કેસમાં જેમાં પતિએ પત્નીને જ વ્યાજ ઉપર પૈસા આપ્યા છે અને હવે પત્ની પાસે તે પૈસાની વ્યાજ સાથે વારંવાર ઉઘરાણી કરે છે. એટલું જ નહીં, પતિ પત્નીને દગો પણ આપી રહ્યો છે. એક સાથે ત્રણત્રણ મહિલાઓ સાથેસાથે સંબંધ રાખનારા પતિ સામે પત્નીએ કોર્ટનો સહારો લેવો પડ્યો છે.
શું છે સમગ્ર કેસ:આ સમગ્ર કેસની હકીકત જોઈએ તો, પતિ અને પત્નીના લગ્ન વર્ષ 1999માં થયા હતા. જોકે, પતિ અને પત્ની બંનેના આ બીજા લગ્ન હતા. લગ્નના થોડાક વર્ષો સુધી પતિપત્ની વચ્ચેનો સંબંધ ખૂબ જ સારો રહ્યો હતો. વર્ષ 2005માં પત્નીએ દિકરીને જન્મ આપ્યો હતો, પરંતુ ત્યારપછી પતિના વર્તનમાં બદલાવ આવા લાગ્યો હતો. પતિ પોતાની પત્નીને વારંવાર મારઝૂડ કરતો હતો. તેને અપશબ્દ બોલીને તેનું અપમાન પણ કરતો હતો. આવા ખરાબ વર્તન પાછળ પત્નીને તપાસ કરાવતા ખબર પડી હતી કે, પતિ બીજી કોઈ સ્ત્રી જોડે આડા સંબંધો ધરાવે છે.
પતિએ દીકરીને વેચી નાખવાની આપી ધમકીઃ આ વાત તેણીએ પોતાના પતિને પૂછતા પતિએ પત્નીને માર માર્યો હતો અને જુદી જુદી જગ્યાએ ડામ પણ દીધા હતા. એટલું જ નહીં, ધમકી પણ આપી હતી કે, આ વિશે કોઈને પણ જાણ કરી તો તારી દીકરીને વેચી નાખીશ.
પતિએ પત્નીને વ્યાજ પર આપ્યા પૈસાઃજોકે, પતિનો ત્રાસ આટલેથી ન અટકતા મા અને દીકરી બંનેને ઘરમાં ગોંધી રાખવાનું ચાલું કરી દીધું હતું. એટલું જ નહીં, તેણે ઘરમાં ખર્ચ આપવાનો અને પૈસા આપવાના પણ બંધ કરી દીધા હતા, જેના પરિણામે મા અને દીકરીનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. થોડા સમય પછી પત્નીએ જાતે સીવણ કામ કરવાનું શરૂ કરવા માટે પતિ પાસે પૈસા માગ્યા હતા. જોકે, આ પૈસા તેણે પોતાની પત્નીને જ વ્યાજ ઉપર આપ્યા અને દર મહિને વ્યાજ સહિત ચૂકવવાનો શરતે પૈસા આપ્યા હતા.
પતિ પત્નીના પૈસા છીનવી લેતોઃ સીવણ કામ દ્વારા મા અને દીકરીનું ગુજરાન ચાલતું હતું, પરંતુ એના જે પણ પૈસા આવતા હતા. તે પણ પતિ દ્વારા છિનવી લેવામાં આવતા હતા અને વ્યાજના પૈસા તો હજી બાકી જ છે એમ કરીને ધમકાવવામાં આવતા હતા. આ સમગ્ર બનાવ દરમિયાન પત્નીને બીજી એક વાત પણ જાણવા મળી હતી કે, તેનો પતિ પોતાની પ્રથમ પત્ની સાથે રહેવા લાગ્યો છે, જેની સાથે એને લગ્ન પહેલાં છૂટાછેડા લઈ લીધા હતા. આમ એક સાથે આ પુરુષ ત્રણ ત્રણ મહિલાઓ જોડે સંબંધ રાખી રહ્યો હતો.
પતિ પત્નીને આપતો હતો ધમકીઃ આ વાતની જાણ બાદ પતિ તરફથી ખૂબ જ ખરાબ અને વિચિત્ર માગણીઓ ચાલુ થઈ ગઈ હતી. પતિ પોતાની પત્ની પાસે જ વ્યભિચારી માગણીઓ કરતો હતો, જેમાં પતિ ત્રણેય મહિલાઓ જોડે એકસાથે શારીરિક સંબંધ બનાવવા માટે માગણી કરતો હતો. જોકે, પત્ની દ્વારા આ વાતનો ઈનકાર કરી દેતા તેને દબાણ પણ કરતો હતો અને વિવિધ પ્રકારની ધમકીઓ પણ આપતો હતો.
પતિ મોજશોખમાં પૈસા ઉડાડતો હોવાનો આક્ષેપઃ પત્ની દ્વારા કોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેમના પતિ મહિને દોઢ લાખ જેટલું કમાય છે. વ્યાજ ઉપર પૈસા લઈને લોકોને આપે છે, જે એક ગંભીર પ્રકારનો ગુનો છે. તેમ છતાં પણ દીકરીના અભ્યાસ માટે કે, પછી ઘરખર્ચ માટે બિલકુલ પણ પૈસા આપતા નથી, પરંતુ બધા જ પૈસા મોજ શોખમાં અને યુવતીઓ પાછળ ઉડાડી દે છે.
આ પણ વાંચોઃRape case: સાત વર્ષની માસુમને પીંખીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા
આરોપી પતિને જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશઃ આ સમગ્ર બનાવો પછી પત્નીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેમ છતા પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં પત્ની દ્વારા પતિ પર વ્યાભિચાર અને ભરણપોષણનો દાવો કરતી અરજી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે કોર્ટે હવે પતિને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.