કોંગ્રેસનું માનવું છે કે, છેલ્લા બે ટર્મથી એટલે કે 10 વર્ષથી ભાજપનું શાસન અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં છે, પરંતુ આ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા જેવી કે, ગટર, પાણી, રોડ-રસ્તા જેવી માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનું કોંગ્રેસી કાર્યતકર્તાઓ જણાવી રહ્યા છે. વધુમાં આપને જણાવી દઈએ કે, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાંથી ખારીકટ કેનાલ પણ પસાર થઈ રહી છે, જેને કારણે આ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય પણ ખૂબ વધ્યું છે.
અમરાઈવાડી વિધાનસભા: રોડ-રસ્તા અને ગટરના પાણીથી જનતા ત્રસ્ત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - અમદાવાદની અમરાઈવાડી બેઠક
અમદાવાદ: રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરના રોજ ખાલી પડેલી 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ પૈકી અમદાવાદની અમરાઈવાડી બેઠકમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ટાણે જનતાના મુદ્દાને પ્રાધાન્ય આપવા કોંગ્રેસે આજે ભાજપ પર અનેક આક્ષેપો લગાવ્યા છે.
કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મણીનગર વિસ્તારમાંથી પસાર થતી ઘોડાસર કેનાલ પર જે તે ધારાસભ્યો દ્વારા બગીચા બનાવવામાં આવ્યા છે. તો અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ઘોડાસરમાં જે રીતે કેનાલની ઉપર બગીચા બનાવવામાં આવ્યા છે, તેવા બગીચા અમરાઈવાડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ પર પણ બગીચા બનાવવામાં આવે તેવી માગ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી.
આમ અહીં ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપના ધારાસભ્યો પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થયા હતા.