- યુનિ. પાસે લૂંટનાં ઈરાદે નિકળેલા શખ્સે પોલીસને મારી છરી
- જમાલપુરમાં રાત્રી કરફ્યૂમાં રિક્ષાચાલકે પોલીસ પર કર્યો પ્રહાર
- યુનિવર્સીટી પોલીસે કરી હુમલો કરનારા યુવાનની કરી ધરપકડ
અમદાવાદ : શહેરમાં પોલીસ સાથે ધર્ષણનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મોહન દેસાઈ નામનાં શખ્સે એક જ દિવસમાં 7 વ્યક્તિઓને લૂંટવાના ઈરાદે તેમના પર છરીથી હુમલો કર્યો હતો. વિજય ચાર રસ્તાથી દાદા સાહેબનાં પગલા વિસ્તારમાં આ શખ્સે ચાર જેટલા નાના-મોટા વેપારીઓ તેમજ સસપેન્ડેડ તલાટી પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, આ મામલે ફરિયાદ થતાં જ પોલીસ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રભાતસિંહ શાંતુભા નામના પોલીસકર્મી પર છરીથી હુમલો કરતા પોલીસકર્મીને હાથ પર 3 ટાંકા આવ્યા છે. જ્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કર્મી સહિત કુલ 7 લોકો પર છરી વડે હુમલો કરનારો ઝડપાયો કોઈ કામધંધો કરતો ન હતો
આ ઘટનામાં પોલીસકર્મીએ પોતાનાં પર હુમલો થવા છતાં આરોપીને દબોચી લીધો હતો. જ્યારે આરોપીને પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેણે યુનિવર્સીટી વિસ્તારમાં લૂંટ કરતા પહેલા નવરંગપુરા વિસ્તારમાં પણ એક વ્યક્તિને છરી બતાવી લૂંટ કરી હતી. જે બાબતની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધાઈ છે. જેથી યુનિવર્સીટી પોલીસે આરોપી સામે લૂંટનો પ્રયાસ તેમજ પોલીસ પર હુમલાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો તેમજ કોઈ પણ જાતનો કામ ધંધો ન કરતો હોવાથી લોકોને છરી બતાવી લૂંટી લેતો હોવાનું ખુલ્યું છે.
એક જ દિવસમાં પોલીસ પર હુમલાની 2 ઘટના
સમગ્ર મામલે એક જ દિવસમાં અમદાવાદમાં પોલીસ પર હુમલાની બનેલી બે ઘટનાએ ચકચાર મચાવ્યો છે. જમાલપુરમાં પોલીસને છરી મારીને ફરાર થનાર રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. જ્યારે યુનિવર્સીટી પોલીસે આરોપી મોહન દેસાઈની તપાસ કરતા અગાઉ પણ તે આ પ્રકારનાં ગુનામાં પકડાયેલો હોવાનું ખુલ્યું છે. તેની સામે 5 જેટલા ગુના નોંધાયા છે, જ્યારે એક વાર તે પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. ત્યારે હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.