અમદાવાદ:નોકરીની લાલચ ક્યારેક ભારે પડી શકે છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. મુળ બિહારની યુવતી થોડા સમય પહેલા અમદાવાદમાં આવી હતી યુવતીને એક સ્પા માલિકે મેનેજર તરીકે નોકરીએ રાખી હતી. બાદમાં માલિકે આ મેનેજર યુવતીને પ્રપોઝ કરી લગ્નની લાલચ આપી સંબંધો બાંધ્યા હતા. બે વાર યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ દવાઓ આપી ગર્ભપાત કરાવ્યો હતો. આરોપીએ દુષ્કર્મ ગુજારી લગ્ન ન કરાત આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.
શું બની સમગ્ર ઘટના?:મુળ બિહારની અને હાલ પાલડીમાં રહેતી 26 વર્ષીય યુવતી વર્ષ 2017માં અમદાવાદ આવી હતી. તેની બહેનપણીએ તેને સ્પામાં મસાજનું કામ મળશે તેવી વાત કરતા તે તેની સાથે બે દિવસ રોકાઇ હતી. બાદમાં તેને અજુગતુ લાગતા તે કોઇને કહ્યા વગર પોતાના વતન જતી રહી અને તેણે ફોન બંધ કરી દીધો હતો. વર્ષ 2020માં કેરાલાના આનંધુ જે.એસ.સાજીકુમાર નામના સ્પા માલિકે યુવતીનો ફેસબુકથી સંપર્ક કરી 20 હજાર પગાર અને મેનેજરની પોસ્ટ ઓફર કરતા યુવતી પરત આવી અને પાલડી ખાતેના સ્પા સેન્ટરમાં તે નોકરીએ લાગી હતી. જ્યાં આરોપી આનંધુ અવાર નવાર યુવતીને અડપલાં કરતો હતો. એક દિવસ તેને ફરવા લઇ જઇ લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યા અને તેને ભાડાના મકાનમાં પત્નીની જેમ રાખવા લાગ્યો હતો. અનેક વાર આરોપીએ સંબંધો બાંધતા બે વાર યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ તેને ગોળીઓ આપીને ગર્ભપાત કરાવી દીધો હતો.