અમદાવાદ:જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર બનીને ઉચ્ચ અધિકારી તરીકેના લાભ લઈને ઠાઠ માઠ માટે સાથે ફરતો કિરણ પટેલ હવે એક ગુનેગારની જેમ ક્રાઈમ બ્રાન્ચના શકંજામાં કસાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી હતી અને હવે અંતે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને તેને અમદાવાદ લાવવા માટે જમ્મુ કાશ્મીરથી ટીમ રવાના થઈ છે. કિરણ પટેલને શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવશે અને જે બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાશે.
છેતરપીંડીની ફરિયાદ:મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શીલજ ખાતે આવેલો તેઓનો કરોડોનો બંગલો રીનોવેશનના નામે લઈને લાખો રૂપિયા ફરિયાદી પાસે લીધા બાદ તે બંગલો પોતાનો હોય તેમ બંગલાની બહાર પોતાની નેમ પ્લેટ લગાવી અને વાસ્તુ પૂજા કરી તેનું આમંત્રણ કાર્ડ છપાવી લોકોને આપી ફરિયાદીનો બંગલો પોતાનો હોવાનો દાવો કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શું છે મામલો?: મહાઠગ કિરણ પટેલ છેલ્લા અમુક મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં આંટાફેરા કરી રહ્યો હતો અને પોતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેક્ટર જેવા ઉંચા હોદા ઉપર હોવાની ઓળખાણ આપી જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ તેમજ અલગ અલગ વેપારીઓ સાથે મીટીંગો કરી હતી. તેમજ IAS IPS અધિકારીઓ સાથે પણ બેઠકો કરીને અલગ અલગ પ્રોજેક્ટ અંગે મોટી મોટી વાતો કરી હતી. જોકે ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ જમ્મુ કાશ્મીર પોલીસને જાણ થઈ હતી કે કિરણ પટેલ કોઈપણ સરકારી કચેરી સાથે સંકળાયેલો નથી અને તે બોગસ સરકારી અધિકારી બનીને વૈભવી સુવિધાઓ મેળવી રહ્યો છે. જેથી તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને તે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ હતો.