- છેલ્લા 25 વર્ષથી પીવાનું પુરતુ પાણી ન મળતા ગ્રામજનોનો સરકારી તંત્ર સામે આક્રોશ
- પાણી પુરવઠા અધિકારી દ્વારા ચાર કલાક પાણી આપવાનો દાવો પોકળ
- મજુરી કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા લોકોને પીવાના પાણીનું ટેન્કર મગાવવુ પડે છે
અમદાવાદ : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ધોલેરા તાલુકાના મહાદેવપુરાના સમગ્ર ગામ મજૂરી કામ પર નિર્ભર કરે છે, ત્યારે પરિવાર બે ટાઈમના ભોજન પાછળ પૈસા ખર્ચે કે પીવાના પાણી પાછળ ખર્ચ કરે ? તે એક યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વળી આ ગામમાં પીવાના પાણી માટેનો સંપ નથી, પરંતુ પશુઓને પીવા માટેનો ખુલ્લો અવાડો (હોજ) હોય તેવો જ 10 ફૂટ ઊંડો ખુલ્લો હોજ બનાવેલો છે. તેમાં ભાણગઢ સંપમાંથી મહાદેવપુરા ગામે પાણી ઠાલવવામાં આવે છે. હોજ ખુલ્લો હોવાથી તેમાં અન્ય જીવજંતુઓ, કચરો, ધૂળની ડમરીઓથી પડતી ધૂળથી હોજમાં પાણી દુષિત થાય છે. તેવું પાણી પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે. એક બાજુ રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરે છે તો બીજી બાજુ એ લોકો જીવન જીવવા સતત સંઘર્ષ કરી રહ્યા છે. આજુબાજુના ગામડાઓને પીવાના પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે છે, ત્યારે આ ગામને પાણી પુરવઠા વિભાગ તરફથી અન્યાય શા માટે ?
મહાદેવપુરા ગામને દરરોજ ચાર કલાક પાણી આપવામાં આવે છે : પાણી પુરવઠા વિભાગના અધિકારી
Etv Bharatના પ્રતિનિધિ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી કમલેશ શાહને ટેલિફોનિક કોન્ટેક કરતા જણાવ્યું હતું કે, મહાદેવપુરા ગામને દરરોજ ચાર કલાક પાણી આપવામાં આવે છે. પાણીની મુશ્કેલી ક્યાંથી હોય ? ગામ લોકો જણાવે છે કે, પીવાનું પાણી ભાણગઢ સંપમાંથી છોડવામાં આવે છે. માત્ર દોઢથી બે કલાક સુધી જ પાણી અપાય છે. જે પ્રેશર વિનાનું ધીમી ગતિ આવતું હોવાથી ક્યારેય 10 ફૂટ ઊંડો હોજ હવાડો ભરાતો નથી. પાણી પુરવઠાના અધિકારી તદ્દન જૂઠાણું દર્શાવી રહ્યા છે.
રાજ્ય સરકારની "નલ સે જલ" યોજના અંતર્ગત પંચાયતદ્વાર 'વાસમો'માં રૂપિયા 10 લેખે 2,10,602 રૂપિયા લોકફાળો ભરેલો છે
મહાદેવપુરા ગ્રામ પંચાયત સરપંચ વિનુભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે વાસમો દ્વારા" નલ સે જલ" યોજના અંતર્ગત લોકફાળો ભરી દેવામાં આવ્યો છે. છતાં અમારા ગામને યોજનાથી વંચિત રાખવામાં આવ્યું છે.
પાણી વિના પ્રેશરે આવતું હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી : સરપંચ
ગ્રામ પંચાયત સરપંચ વિનુભાઇ ગોહિલ જણાવે છે કે, અમારા ગામે છેલ્લા 25 વર્ષથી પીવાના પાણીનો પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. અધિકારીઓને મૌખિક અને લેખિત રજૂઆતો કરી થાક્યા છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી. પાણી ઓછુ આવવાના કારણે આ પાણીના હોજ પર ઘણીવાર બેડા યુદ્ધ પણ થઈ જાય છે. અમને ભાણગઢથી સીધું જોડાણ આપવામાં આવે અને પ્રેશરથી પાણી આપવામાં આવે તો અમારો હોજ ભરાઈ શકે તેમ છે. પાણી વિના પ્રેશરે આવતું હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી.