અમદાવાદ: ગુજરાતની શાંતિપ્રિય રાજ્યમાં ગણતરી થાય છે. જો કે છેલ્લા 2022ના વર્ષમાં ક્રાઈમ રેટ વધ્યો છે અને અરેરાટીભર્યા ગુના વધ્યા છે. આવો નજર કરીએ ગુજરાતના ટોપ ક્રાઈમ ન્યૂઝ પર...જે આપણને 2022ની કડવી યાદ અપાવશે.
(1)હથિયારોના વેચાણનું મોટુ રેકેટ ઝડપાયું: ગુજરાત ATS એ મે મહિનામાં હથિયારોના વેચાણનું મોટું રેકેટ ઝડપીને સૌરાષ્ટ્રના 24 લોકો પાસેથી 54 જેટલા ગેરકાયદેસર હથિયારો કબ્જે કર્યા (Big arms sale racket busted by ATS) હતા. આરોપીઓ મધ્યપ્રદેશના બાગ ગામમાંથી આ હથિયારો લાવ્યા હતા. અમદાવાદના એસજી હાઇવે પરથી બે યુવકોની હથિયાર સાથે ધરપકડ કરી હતી અને તેને પૂછપરછમાં 22 લોકોના નામ સામે આવતા તેઓની પાસેથી 50 જેટલા ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓએ સોશિયલ મીડિયામાં ફોટો પડાવીને અપલોડ કરવા અથવા તો ગુનાહિત કૃત્ય કરવા માટે હથિયારો ભેગા કર્યા હોવાનું સામે આવ્યું હતું. બોટાદ સુરેન્દ્રનગર અને આસપાસના શહેર ગામડાના લોકોએ આ હથિયાર ભેગા કર્યા હતા. ગુજરાત ATS ની ટીમે બાતમીના આધારે લીંબડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર અને તેના સાગરીત ચાંપરાજ ખાચરની હથિયાર સાથે ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી ચાર હથિયાર જપ્ત કર્યા હતા, જે આરોપીઓની પૂછપરછમાં આ હથિયારો લાવ્યા હોવાનું રેકેટ ખુલતા તેવો અગાઉ 100 જેટલા હથિયારો મધ્યપ્રદેશમાં કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી લાવ્યા હતા અને તેની ડિલિવરી વનરાજ નામના યુવકને કરવાના હોવાનું કબુલતા પોલીસે 24 કલાકમાં રેડ પાડીને 22 ઈસમોની ધરપકડ કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.
(2)કબૂતરબાજ બોબી પટેલ પકડાયો:અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાંથી સેંકડો લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર બોબી પટેલની હાલમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી (illegal immigration bobby patel arrested) હતી. પકડાયેલો આરોપી કબુતરબાજમાં માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી 94 જેટલા બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના ભાડજ વિસ્તારમાંથી બોબી પટેલની ધરપકડ કરી હતી. બોબી પટેલ દરિયાપુર મનપસંદ જીમખાના કેસમાં પણ ઘણા સમયથી વોન્ટેડ હતો, આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા યુરોપિયન દેશના વિઝાના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. ડીંગુચાના પરિવારના કેસમાં પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, આરોપી અમેરિકા ફરાર થઈ ગયો હતો અને તેની પત્ની અને પરિવાર પણ અમેરિકામાં રહેતો હોય તેણે વર્ષ 2019 થી કબૂતરબાજી શરૂ કરી હતી. અને અનેક પરિવાર પાસે લાખો રૂપિયા લઈને તેઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલવાનું કામ કર્યું હોય તેની સાથે આ ગુનામાં કેટલા લોકો સામેલ છે, તેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ તેની ઊંડાણપૂર્વક તપાસ તજવીજ તેજ કરી છે.
(3)તીસ્તા સેતલવાડની ધરપકડ:વર્ષ 2022ની ચર્ચાસ્પદ ઘટનાની વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તીસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને આઇપીએસ સંજીવ ભટ્ટ સામે નોંધાયેલા ગુના મામલે મુંબઈથી ગુજરાત એટીએસએ તીસ્તાની ધરપકડ કરી (Teesta Setalvad arrested) હતી. જે બાદ આર.બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની પણ ટ્રાન્સફરના આધારે ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યપ્રધાનને ક્લીનચિટ આપી હતી. જેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતા કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં પોલીસે ધરપકડ કરી હતી. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓને સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કરવામાં આવ્યા હતા અને જેને લઈને સમગ્ર ફરિયાદ નોંધાઈ હતી.
(4)ગ્રીષ્મા હત્યાકાંડમાં આરોપીને ફાંસીની સજા:કામરેજ- પાસોદરામાં તા. 12મી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ જાહેરમાં ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ હુલાવીને હત્યા કરી (Accused sentenced to death in Grishma massacre) હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હૂમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થઈ હતી. તા.21 એપ્રિલના રોજ કોર્ટે સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ સરકાર પક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કરતા આરોપી ફેનિલને હત્યા, હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો અને ફાંસીની સજા ફરમાવી હતી.
(5)પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઝડપાયો:સુરતમાંથી દેશદ્રોહી દીપક સાળુકેનું પાકિસ્તાનના જાસુસ (Pakistani ISI Agent) સાથેનું ક્નેક્શન સામે આવ્યું છે. દીપકે પ્રદીપ બનીને પાકિસ્તાન રહેલા હમીદ સાથે વાતચીત કરી હોવાની વાત પણ સામે આવી છે. સુરત SOGએ ઊંડી તપાસના અંતે શોધી કાઢ્યું હતું કે, તે વોટ્સએપ એપ્લિકેશન મારફતે ચેટિંગ કરી રહ્યો હતો. જેમાં તેણે ભારતીય આર્મીની (Indian Army Situation Pokhran) પોખરણમાં રહેલી સ્થિતિની તસવીર શેર કરી હતી. નવેમ્બર મહિના સુધી કરેલા ચેટિંગમાંથી દેશદ્રોહને લગતા સંખ્યાબંધ પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા છે.
(6)ગુજસીટોક હેઠળ 9 જેટલી કુખ્યાત ગેંગ પાંજરે પુરાઇ: સુરતમાં અજયકુમાર તોમરે શહેરના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સૌથી પહેલું કામ શહેરમાં આતંક મચાવી રહેલી કુખ્યાત ગેંગની કુંડળીઓ કઢાવી ( 9 notorious gangs were caged under Gujsitok) હતી. અને ત્યાર પછી તો તેમને એક પછી એક નવ જેટલી મોટી ગેંગ જેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ અને અપહરણ સહિતના ગુનાઓ નોંધાયા હતા. તેવી એક કે બે નહીં નવ જેટલી ગેંગની સામે ગુજસીટોક કાયદાનું હથિયાર ઉગામ્યું હતું. અને આ ગેંગના 70થી પણ વધારે આરોપીઓને જેલમાં પુર્યા હતા.