ગુજરાત રાજ્યમાં નીચલી અદાલતોમાં પણ જોવા મળશે કેસની જીવંત કાર્યવાહી અમદાવાદ:સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની જેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પણ જીવંત પ્રસારણ જોવા મળશે. વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ (Live proceedings of cases in lower courts Gujarat) શકશે. આ ઐતિહાસિક નિર્ણયને અનુલક્ષીને હાઈકોર્ટે ખાસ માર્ગદર્શિકા/એસઓપી બહાર પાડી છે. જે સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી દ્વારા બહાર પાડેલા મોડેલ રુલ્સના આધારે તૈયાર કરાઈ છે.
youtube પર લાઈવ જોવા મળશે: એડવોકેટ જગત ચોકસીએ જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે કારણ કે, જનરલી વકીલ અને અસીલ બંને એકબીજાના વિશ્વાસ ઉપર કામ કરતા હોય છે. આમાં હવે લાઈવ સ્ટ્રીમિંગ થવાથી અસીલને પણ ખબર પડશે કે તેમના વકીલ કઈ રીતે કામ કરે છે. આ સાથે જ વકીલોને એ ફાયદો થશે કે કઈ કોર્ટમાં કયો કેસ ચાલી રહ્યો છે એનો ખ્યાલ આવશે. ગુજરાત હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જે રીતે દરેક કોર્ટની કામગીરી આપણને youtube પર લાઈવ જોવા મળી રહી છે તેવી રીતે હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પણ કામગીરી જોવા મળશે. જેનાથી કોર્ટનો સ્ટાફ પણ જાગૃત થશે. ઝડપી કામ થશે તેનાથી લોકોને ન્યાય પણ ઝડપી મળશે.
માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે: રાજ્યની તમામ નીચલી અદાલતે આ એસઓપી અને માર્ગદર્શિકાનુ પાલન (Adherence to SOPs and guidelines) કરવાનુ રહેશે. નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદીજુદી અદાલતો માટે જરુરી હાર્ડવેર અને સોફ્ટવેરને ઈન્સ્ટોલ કરાયા છે. આ બાબતને લઈને ટેસ્ટિંગ પણ કરાઈ ચુક્યું છે. હાઈકોર્ટે તેની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ, ઈલેક્ટ્રોનિક મિડીયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.
જીવંતપ્રસારણથી ક્યા કેસો બાકાત: લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, આઈપીસીની સેક્શન-376 હેઠળના સેક્સ્યુઅલ ગુનાઓ, મહિલાઓ વિરુદ્ધ જાતિ સંબંધિત ગુના, પોક્સોના કાયદા હેઠળના કેસ, જુવેનાઈલ જસ્ટિસ હેઠળના કેસ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળના કેસ, ઈન-કેમેરા કાર્યવાહી, ક્રોસ એક્ઝામિનેશન સહિતના પુરાવાના રેકોર્ડીંગ, ચીફ જસ્ટિસની ખંડપીઠે કોઈ કેસમાં ખાસ આદેશ કર્યા હોય તેવા કેસની કાર્યવાહીને જીવંતપ્રસારણથી બાકાત (What cases excluded from live broadcast) રખાઈ છે.