- માતા ભગવતી નવદુર્ગાના નવ સ્વરુપની શબ્દ આરાધનાનો કૃપાપ્રસાદ
- સૌએ કરી છે કોરોના મહામારીથી મુક્તિની પ્રાર્થના
- માતા સિદ્ધિદાત્રીની અનુપમ કૃપાથી થાય છે અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ
અમદાવાદ : નવરાત્રિની નવ રાત્રિઓની આરાધના કરતા આપણે પણ આ વર્ષના અંતિમ પડાવ પર છીએ, ત્યારે મનુષ્ય જીવનની સંપૂર્ણતાને પામીએ, સ્વસ્થ જીવન પામીએ. ત્રિદેવના- સર્જન-પાલન-સંહારના સ્વામી પણ મહામાયા મહાશક્તિને ભજનારા છે. અનંત બ્રહ્માંડની કારણ શક્તિ, આધારશક્તિ અને પરાશક્તિ પણ એ પરમેશ્વરી જ છે. એકમેવ જગદંબા જગતજનનીની માતૃવંદના કરીને આપણી ભૂલોની ક્ષમા યાચીએ અને વધુ સારા મનુષ્યત્વને પામીએ તેવી નતમસ્તકે પ્રાર્થના કરીએ.
સિધ્ધિદાત્રીની આરાધનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે
નવરાત્રીનો નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આ દિવસે રીંગણી કલરના વસ્ત્રો પહેરીને સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી જોઈએ. જીવનમાં મોક્ષની પ્રાપ્તિ માટે સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી જોઈએ. જેનાથી દોષ અને કામના નાશ પામે કજે. આઠમની જેમ નોમના દિવસે પણ કન્યા પૂજન કરવું જોઈએ. માતાને નવ પ્રકારના રસ યુક્ત ભોજન અને ફળ-ફૂલ ધરાવવા જોઇએ. સિદ્ધિદાત્રીની ઉપાસનાથી પ્રેમ અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભાગવતમાં જેને મહારા કહ્યો છે. તેમ દેહમાં વિદેહની અવસ્થા પ્રાપ્ત થાય છે.
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥
આ શ્લોોકમાં જ પ્રતિપાદિત થાય છે, એમ માતા સિદ્ધિદાત્રી બધા પ્રકારની સિદ્ધિઓ દેનારા છે. અનુષ્ઠાનપૂર્વક, સાધનાના વિધિવિધાન અને ભક્તિભાવથી સાધના કરનાર સાધક માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી સિદ્ધિઓ મેળવી શકતા હોય છે. સંસારના પુરુષાર્થને પામવા અનેક પ્રકારના સામર્થ્યની જરુર હોય છે. ત્યારે સફળતા સ્વયં એક સિદ્ધિ છે, જે હરકોઇની વાંછના હોય છે. એ ભલે પછી વૈરાગી હોય. તેને પણ અનાશક્તિની વાંછના રહે છે. તો વળી સંસારીની અનેક સમસ્યાઓ વચ્ચે ઘૂમતા રહેતા ગૃહસ્થો માટે શું કહેવું ? માતા સિદ્ધિદાત્રીની સાધના ઉપાસના, મનવચન અને કર્મથી કરેલી ભક્તિ કદી વિફળ થઈ શકતી નથી અને માતાની અનુપમ કૃપા આવી મળે છે. નવરાત્રિના (Navratri2021) નવમાં દિવસે આપણે માતાનું ધ્યાન ધરીએ.
માતા સિદ્ધિદાત્રીનું પ્રાક્ટ્ય કથાનક અને ધ્યાનસ્વરુપ
દેવી ભાગવત્ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા. જેથી આદિ-પરાશક્તિ શિવના અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા હતા. દેવીપુરાણ અનુસાર ભગવાન શિવે પણ તેમની કૃપાથી જ સર્વસિદ્ધિઓ મેળવી હતી. સિદ્ધિદાત્રીના સમાવેશથી જ ભગવાન શિવનું અડધું શરીર નારીરુપા એટલે કે અર્ધનારેશ્વરનું બન્યું હતું.
માતા સિદ્ધિદાત્રી ચતુર્ભૂજ છે. માતા સિદ્ધિદાત્રી સિંહ પર સવારી કરે છે. કમળનું ફૂલ માતાનું આસન છે. તો તેમના એક હસ્તમાં પણ કમળનું ફૂલ છે. તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. જેઓને વિશેષપણે કેતુગ્રહની બાધા નડતી હોય તેમને માટે માતા સિદ્ધિદાત્રી સર્વપ્રકારે સુખદાતા મનાયા છે, કેતુગ્રહથી થતી તમામ મુશ્કેલીઓનું નિવારણ માતા સિદ્ધિદાત્રીની ભક્તિમાં છે. માતા સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધ પણ કરે છે.