અમદાવાદ: સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. 99789 85653 નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છતા ડોનર ઉપરોક્ત મોબાઈલ નંબર પર એપોઈમેન્ટ પણ લખાવી શકશે. પ્લાઝમા ડોનેટ કરનાર તમામ ડોનરને સર્ટિફેક્ટ પણ આપવામાં આવશે. મોબાઈલ બ્લડ બેંકમાં જ પ્લાઝમા એકત્ર કરવા માટેનું “એફેરેસિસ મશીન” રાખવામાં આવ્યું છે. રૂપિયા 16 લાખના ખર્ચે આ મશીનને ખરીદવામાં આવ્યું છે.
પ્લાઝમા કલેક્શન મોબાઈલવાનનો શુભારંભ રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ જ એફેરેસિસ મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝમા એકત્ર કરાવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એક જ ઘટક પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. દરેક દર્દીને 200 મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝમાના બે ડોઝ ચડાવવામાં આવે છે. 100 મીલી પ્લાઝમા સંશોધન પ્રક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા ડોનેટની સમગ્ર પક્રિયા 1 કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે ફોન કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે.
સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે “કોવિડનાં સ્વસ્થ થયેલાં દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવે તે જરૂરી છે. પ્લાઝમામાં કોરોના વાઇરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થયેલાં લોકો પાસેથી પ્લાઝમા એકત્ર કરવા માટે ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વેન’ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.જે.પી.મોદીએ કહ્યું કે “કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યમાં પ્લાઝમા ટ્રાન્સમિશનથી ખૂબ જ ઝડપથી સુધારો જોવા મળે છે જેને પરિણામે પ્લાઝમા ડોનર સરળતાથી ડોનેટ કરી શકે તે માટે આ મોબાઈલ વેનની શરૂઆત કરવામાં આવી છે”.
ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT)ના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જર અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિધિ ભટનાગરે જણાવ્યું હતું કે “સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા એફેરેસિસ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. કોરોનાને મ્હાત આપી સાજા થયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા સૌથી વધારે હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. પ્લાઝમા ડોનરની અનુકુળતા મુજબ પ્લાઝમા એકત્ર કરવા માટે આ વેનની સુવિધા શરૂ કરાઈ છે”.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ 1200 બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક 24 જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 67 પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં 49 સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સનો પણ સમાવેશ થાય છે. 5 ડોક્ટર્સએ બે વાર રક્તદાન કર્યું છે. અત્યાર સુધીમાં 52 દર્દીઓને પ્લાઝમા થેરાપી આપી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, ભાવનગર સહિત રાજ્યની અન્ય ખાનગી હોસ્પિટલોને પણ પ્લાઝમા આપવામાં આવે છે.