અમદાવાદ: ન્યુ રાણીપમાં રહેતા પરેશભાઇ પટેલ જમીન લે વેચનું કામ કરે છે. થોડા સમય પહેલા જમીન દલાલ રમેશભાઇ ભરવાડ અને દિનેશ સુથારને તેઓ મળ્યા હતા. જે બંનેએ પરેશભાઇના ભાગીદાર ભીમાભાઇ ચાવડાને ફોન કરી કોઇ ટાયટલ ક્લીયર જમીન વેચાવવા આવેલ હોવાનું જણાવતા મિટીંગ કરી હતી. જેમાં ત્રાગડમાં ત્રણ પરિવારની જમીન છે. તેમાંથી બે પરિવાર પોતાનો હિસ્સો વેચવા આપવા માંગતા હોવાનું જણાવ્યું છે.
"આ મામલે 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. હાલ વધુ તપાસ ચાલુ છે-- જીગ્નેશ અગ્રાવત (સોલા પોલીસ સ્ટેશનના PI)
હોટલમાં મિટીંગ:જમીન દલાલ રાજેશ મકવાણા સાથે મિટીંગ થઇ હતી. આ રાજેશ મકવાણાએ ખેડૂતોના ડોક્યુમેન્ટ્સ આપતા તમામ લોકો જમીન જોવા ગયા હતા. જ્યાં જમીન જોયા બાદ 4.65 કરોડમાં સોદો નક્કી કરી શિવાય ઇન્ફ્રાકોન નામની પેઢી બનાવી ચાર ચેક આપ્યા હતા. બાદમાં ગોતા સબ રજીસ્ટારની ઓફિસે દસ્તાવેજ કરાવવા ગયા ત્યારે હાજર ખેડૂતોએ પૈસા મળ્યા બાદ દસ્તાવેજ કરવાની વાત કરતા એક હોટલમાં મિટીંગ થઇ હતી જેમાં ખેડૂતો પણ હાજર હતા. જ્યાં દલાલ રમેશભાઇએ પરેશભાઇને ફોન કરીને રાત્રે દલાલ રાજેશ મકવાણા અને ખેડૂતો પૈસા અને ચેક લઇને ભાગી ગયા હોવાનો ફોન કર્યો હતો. ત્યારબાદ પરેશભાઇએ આપેલા ચેક એક બેન્કના ખાતામાં ભરાયા હોવાનું જાણવા મળતા તમામ લોકો તે જમીન પર ગયા હતા.
ગુનો દાખલ કર્યો:ત્યાં જાણવા મળ્યું કે જમીન દલાલ રાજેશ જે ખેડૂતો લાવ્યો હતો તે ડમી ખેડૂતો હતા અને તેણે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી એકાઉન્ટ ખોલાવી ચેક ભર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે અસલ ખેડૂત જુહાજી ઠાકોરનું નામ ધારણ કરનાર સાગર પટેલ, પંકજ ઠાકોરનું નામ ધારણ કરનાર શક્તિસિંહ સોઢા, જીગ્નેશ ઠાકોરનું નામ ધારણ કરનાર અવધ દવે હતા. જે તમામ શખ્સોએ 3.90 કરોડના ચેક તથા 50 લાખ લઇ 3.41 કરોડના ચેક એકાઉન્ટમાં ભરી ઠગાઇ આચરી હતી. જે મામલે સોલા પોલીસે રાજેશ મકવાણા, સાગર પટેલ, શક્તિસિંહ સોઢા અને અવધ દવે સામે ગુનો દાખલ કર્યો છે.
- Ahmedabad Crime: દોસ્તીના નામે દગાબાજ, 20 લાખ રોકડા લીધા રિટર્ન ન કરતા ફરિયાદ ફાઈલ
- Ahmedabad Crime: હોમગાર્ડ જવાનને હેરાન ન કરવા મામલે લાંચ લેતા કમાન્ડન્ટની ACBએ કરી ધરપકડ