કચ્છ: શુક્રવારે કરોનાના વધુ ચાર કેસ નોંધાયા, કુલ આંકડો 99
કચ્છમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે. શુક્રવારે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા.
કચ્છ: દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો નોંધાઈ રહયો છે. શુક્રવારે વધુ ચાર પોઝીટીવ કેસ સામે આવ્યા છે.જેમાં મુંબઈથી સાઈન ઓન માટે આવી રહેલા ક્રુ મેમ્બરના સંપર્કમાં આવવાના કારણે ગાંધીધામની આરતી હોટલના બે સ્ટાફ મેમ્બર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.જયારે મુંદરાના કમલમ સોસાયટીના 80 વર્ષિય વૃદ્ધા અને માંડવી તાલુકાના બાગ ગામના 50 વર્ષિય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યુ હતું કે આરતી હોટલના બે સ્ટાફ મેમ્બરર્સમાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને દર્દીઓને આદિરપુરની હરીઓમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બન્નેમાં તાવ આવવાના લક્ષણો જોવા મળ્યા હતા. શુક્રવારના ચાર મળીને કચ્છમાં કુલ 99 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 72 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે સાત લોકોના મોત નિપજ્યા છે. અત્યારે 20 એકટીવ કેસ છે. જેમાંથી એક દર્દીની સ્થિતી ગંભીર છે.