અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેટ્રો કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના વધુ રીમાન્ડ માંગવામાં ન આવતા માલીની પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. માલિની પટેલને બંગલો પચાવી પાડવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડમાં લેવામાં આવી હતી. માલીની પટેલ અને તેના પતિ કિરણ પટેલ બીજા અન્ય કોઈ કેસ સાથે સંકળાયેલા છે કે નહીં, તેમના પર બીજો કોઈ ગુનો દાખલ થયો છે કે નહીં, તેમજ બેંકોની વિગતો માટેની પૂછપરછ માટે તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃKiran Patel Case : મહાઠગ કિરણની પત્ની માલીની પટેલના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશઃમાલિની પટેલની આ સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની વધુ પૂછપરછ માટે થઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા માલિની પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા રિમાન્ડ માગવામાં ના આવતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા માટે આદેશ કર્યો હતો.
આ પણ વાંચોઃAhmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે, કિરણ પટેલને અમદાવાદ લાવતાં વાર લાગશે
શું છે સમગ્ર કેસઃ આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ગંભીર પ્રકારની ઠગાઈ અને છેતરપિંડી આચરનાર કિરણ પટેલે પૂર્વપ્રધાન જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલાને પોતાના કબજામાં કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. કિરણ પટેલ દ્વારા લોકો સાથે પીએમઓમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું અને મારે બહુ મોટી ઓળખાણો છે એવું કહીને ઘણા બધા સરકારી અધિકારીઓથી માંડીને તંત્રને તેમજ નિર્દોશ નાગરિકો સાથે પણ છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલે આ બંગલાને પોતાના કબ્જામાં લેવા માટે મોટી મોટી ઓળખાણો આપીને અને મોટી મોટી વાતો કરીને જગદીશ ચાવડાનો બંગલો ઝડપી લેવા માટે રીનોવેશનનું નાટક રચ્યું હતું.
પોતાનો બંગલો છે એવો દાવો કર્યોઃ જગદીશ ચાવડાના બંગલાને ઝડપી લેવા માટે કિરણ પટેલે આ બંગલાના રીનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો બંગલો છે એવો દાવો કર્યો હતો. જોકે કિરણ પટેલે આટલેથી ન અટકતા બંગલાનું વાસ્તુ કરાવીને આ બંગલાને પોતાનો બનાવવાના પ્રયત્ન કર્યા હતા. આ સાથે જ જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. અને સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ કિરણ પટેલે દાખલ કરી દીધો હતો. મહાઠગ કિરણ પટેલને હવે જમ્મુ કશ્મીરથી ગુજરાત લાવવામાં આવ્યા છે, ત્યારે તેમની પૂછપરછ દરમિયાન બીજા વધુ મહત્વના ખુલાસાઓ થઈ શકે છે.