કૉંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ અમદાવાદઃદેશભરમાં મહાઠગની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે, આમાંથી કેટલાય મહાઠગ તો એવા હોય છે, જે સરકારી અધિકારી કે પોલીસ કર્મચારી બનીને લોકોને છેતરવામાં પણ શરમ નથી રાખતાં. આવા જ એક મહાઠગ અને સરકારી અધિકારીની ઓળખ આપનારા કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપી પીએમઓના એડિશનર ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી ઝેટ પ્લસ સિક્યોરિટી સાથે ફરતો હતો. ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ7 વર્ષથી ATMમા વૃદ્ધોને શિકાર બનાવી મુંબઈમાં બાર ડાન્સરોને નચાવતો ઠગ
કૉંગ્રેસ ઉતરી મેદાનેઃઆ મહાઠગ કિરણ પટેલ અમદાવાદ શહેરનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, મહાઠગ કિરણ પટેલે વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી તરીકે જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તો હવે આ મામલે હવે કૉંગ્રેસ પણ મેદાને ઉતરી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
કૉંગ્રેસના ગંભીર આક્ષેપઃકૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ભાજપ સરકાર અને સુરક્ષાને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા વિભાગ સામે ગંભીર પ્રશ્નો એટલા માટે ઊભા થાય છે કે, જમ્મુ અને કાશ્મીર માટે મોટા દાવા કરતી ભાજપની આ કેવી સરકાર છે, જેમાં પીએમઓના ખાસ લોકોની અસલી છે કે, નકલી તેની તપાસ પણ કરવામાં નથી આવતી. કોઈ એક નકલી ઠગ ઝેડ પ્લસ સિક્યોરિટી પણ મેળવી લે છે ને સંવેદનશીલ વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરી આવે છે.
મહાઠગના ભાજપના નેતાઓ સાથે અનેક ફોટોઝઃઆ કિરણ પટેલ નામનો વ્યક્તિના ભાજપાના અનેક મોટા નેતા સાથે ફોટોઝ પણ છે. મજબૂત સરકારના દાવા કરીને મત મેળવનારી ભાજપ સરકાર ખૂબ જ મોટા પાયે ડિંડક ચાલી રહ્યું છે. ગૃહ મંત્રાલયની મદદ વગર ઝેડ પ્લસ સિક્યોરિટી કોને કઈ રીતે મળે એ પણ એક મોટો પ્રશ્ન છે. આનો જવાબ ગૃહ મંત્રાલયે આપવો જોઈએ. આ ઠગ છે કે, પછી કોઈના આર્શીવાદની ગોઠવણ છે. તે પણ પ્રશ્નો આ કિરણ પટેલ સામે દેખાઈ રહ્યા છે.
મહાઠગના વીડિયો વાઈરલઃમહાઠગ કિરણ પટેલ ઑક્ટોબર 2022થી કાશ્મીરની મુલાકાત લઈ રહ્યો હતો. ધરપકડ પહેલા તેણે અનેક જગ્યાએ વરિષ્ઠ અધિકારી તરીકે ઓળખ આપીને સ્થાનિક પોલીસને પણ ગોટે ચડાવી દીધી હતી. તે જમ્મુ અને કાશ્મીરમાં ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો હતો. બૂલેટપ્રૂફ ગાડી અને વિવિધ લશ્કરી દળ સાથે ફરતો હતો. કિરણ પટેલના સોશિયલ મીડિયામાં જમ્મુ કશ્મીરની મુલાકાતોના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તે પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરના વિવિધ સ્થળોએ મુલાકાત લઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ તેમાં દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરિફાઈડઃકિરણ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટરમાં પીએચડી ડિગ્રીધારક હોવાનો દાવો કર્યો છે. ટ્વિટરની ટાઈમલાઈન પણ નજર કરીએ તો, તેણે જમ્મુ-કાશ્મીરના અનેક પ્રવાસના ફોટોઝ અને વીડિયોઝ પણ પોસ્ટ કર્યા છે. કિરણ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ડ વેરિફાઈડ પણ છે. આ ઉપરાંત તેને મોટી મોટી હસ્તીઓ પણ ફોલો કરી રહી છે.
મહાઠગની પત્નીએ કર્યો દાવોઃજોકે, મહાઠગ કિરણ પટેલની પત્ની દાવો કરી રહી છે કે, અમને આ બધામાં ફસાવવામાં આવી રહ્યા છે. મારા પતિ જમ્મુ અને કાશ્મીરમાં માત્ર ફરવા માટે જ ગયા છે. અમે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી. મારા પતિની તપાસ પણ પૂરી થઈ ગઈ છે અને અમને ત્યાંથી પોઝિટિવ રિપોર્ટ પણ મળ્યો છે. તેથી જે પણ સાચું કે ખોટું હશે તે સત્ય સામે આવીને રહેશે. મહત્વનું છે કે, જમ્મુ કશ્મીર પોલીસ શ્રીનગર અને કાશ્મીરની ખીણોમાં અન્ય ભાગોમાં સુરક્ષા દળો સાથે તેની ફરવાની ઘટનાની તપાસ કરી રહી છે કિરણ પટેલ દ્વારા કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કરવામાં આવી છે કે નહીં અથવા તો કોઈ પણ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જો કે મળતી માહિતી અનુસાર હવે આ કેસમાં ગુજરાત પોલીસ પણ સામેલ થયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃસોમનાથ મંદિર ટ્રસ્ટની ફેક વેબસાઈટ બનાવી યાત્રિકોને લાખોનો ચૂનો ચોપડ્યો, દિલ્હીથી ઠગ પકડાયા
કોણ છે કિરણ પટેલ?:વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી તરીકે પોતાની ઓળખ આપનારો મહાઠક કિરણ પટેલ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે. મહાઠઘ કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી અને એસયુવી કારમાં ફરી રહ્યો હતો. ત્યારે ગુપ્તચર એજન્સીએ કિરણ પટેલ અંગે પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે 3 માર્ચ 2023એ શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે 16 માર્ચે જમ્મુ-કાશ્મીર પોલીસે તેને શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. કિરણ પટેલે ઉચ્ચસ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોનો માત્ર પ્રવાસ જ નહતો કર્યો, પરંતુ બડગામના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, ત્યારબાદ અને ગુપ્ત એજન્સીઓને શંકા જતા જમ્મુ-કાશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી.