અમદાવાદ:ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ઉંઢેલા ગામમાં એક વર્ષ પહેલા પથ્થરમારાની ઘટના બની હતી. જેના આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમાં માર મારતાં કથિત વીડિયોને લઈને ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જેમાં મુસ્લિમ પુરુષોને જાહેરમાં કોરડા મારવા બદલ ચાર પોલીસકર્મીઓને 14 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જો કે આરોપીના વકીલ દ્વારા આદેશ સામે અપીલ દાખલ કરવાની વિનંતીને પગલે સજાના હુકમ પર ત્રણ મહિના માટે રોક લગાવવામાં આવી છે.
ચાર પોલીસકર્મીઓને 14 દિવસની સજા:આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટે આરોપીઓ પર કથિત રીતે જાહેરમાં ત્રાસ ગુજારવા મામલે પોલીસ સામે આરોપો ઘડ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે પોલીસકર્મીઓને ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ માટે દોષિત ઠેરવી, 14 દિવસની સાદી સજા કરી હતી. જો કે આ મામલે પોલીસ અધિકારીઓએ ‘સજાથી બચવાની દલીલ’ કરતાં બદલામાં વળતર ચૂકવી આપવાની તૈયારી બતાવી હતી.
કોર્ટે શું કહ્યું:જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચે પણ ટિપ્પણી કરી હતી કે કોર્ટ એ વાતથી ખુશ નથી કે આ દિવસ આવી ગયો છે જ્યારે તે અધિકારીઓને સાદી કેદમાંથી પસાર થવાનું કહેતા આવા આદેશો પસાર કરી રહી છે. અગાઉ, આ વર્ષે જુલાઈમાં, હાઈકોર્ટે નડિયાદ સીજેએમને પેન ડ્રાઈવ અને ઘટના સંબંધિત વીડિયો સહિત અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓનું વિશ્લેષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શું હતો મામલો: ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ઉંઢેલા ગામમાં 3 ઑક્ટોબર 2022ની રાત્રે નવરાત્રિની ઉજવણી દરમિયાન કેટલાક ઘૂસણખોરોએ ભીડ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે ઊભા થયેલા તણાવમાં બે પોલીસ જવાન સહિત નવને ઈજા થઈ હતી. જેમાં પોલીસે ગામમાં આરોપીઓને થાંભલા સાથે પકડીને માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. જે બદલ ચાર પોલીસકર્મી સામે નડિયાદ કોર્ટમાં આરોપ નક્કી થયા હતા.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન: પીડિત પરિવારના 5 સભ્યો દ્વારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા પાંચ પીડિતોને માર મારવામાં આવ્યો હતો અને તેથી તેઓએ કસ્ટોડિયલ ટોર્ચર સામે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું.
- Navratri 2023 : ગતવર્ષે પથ્થરમારાની ઘટના એક વર્ષ બાદ ખેડાના ઉંઢેલામાં નવરાત્રીની શાંતિપૂર્ણ ઉજવણી
- kheda Crime: ખેડામાં અર્ધ સળગેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પોલીસે 20 દિવસમાં કારણ શોધી આરોપીને કર્યા જેલ ભેગા