અમદાવાદ:જુનિયર ક્લાર્કની આજે યોજાનારી પરીક્ષા પહેલા જ પેપર લીક થતા પરીક્ષાને રદ કરવામાં આવતા જ તમામ પરીક્ષાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. એક દિવસ પહેલા જ પેપર લીક થઈ જતા પરીક્ષાને રદ કરવાની જરૂર પડી હતી તેવામાં અલગ અલગ તાલુકાઓ અને જિલ્લાઓમાંથી અમદાવાદ ગાંધીનગર સહિતના શહેરોમાં પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.
માહિતીના આધારે 15 શખ્સોની ધરપકડ: ખાસ કરીને આ સમગ્ર બાબતને લઈને ગુજરાત એટીએસની ટીમ પહેલાથી જ પરીક્ષાના પેપર લીક ન થાય તે માટે કામ કરી રહી હતી. તેવામાં પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે શનિવારે વડોદરા શહેરમાંથી એટીએસએ ચોક્કસ માહિતીના આધારે 15 શખ્સોની ધરપકડ કરી હતી. જે 15 શખ્સો દ્વારા આ સમગ્ર પેપર લીક કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલા 15 આરોપીઓ અલગ અલગ રાજ્યોના હોવાનું પણ સામે આવતા ગુજરાત એટીએસની ટીમ ઓડિશા તેમજ અન્ય રાજ્યોમાં તપાસ માટે રવાના થઈ છે.
પેપર લીક કૌભાંડનું એપી સેન્ટર વડોદરા શહેર: મહત્વનું છે કે આ વખતે પેપર લીક કૌભાંડમાં એપી સેન્ટર વડોદરા શહેર બન્યું છે. વડોદરા શહેરમાં આવેલી એક કોચિંગ ક્લાસ આ મામલે સીલ કરવામાં આવી છે. સ્ટેકવાઇસ ટેકનોલોજી નામની ક્લાસીસમાં પેપર વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ એટીએસને મળી આવ્યા હતા. આ મામલે ટીમ સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા સુરત અને અન્ય જિલ્લાઓમાંથી પણ કુલ 25 જેટલા આરોપીઓની આ સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાઇ છે.