ગાંધીનગર:29 જાન્યુઆરી 2023 ના રોજ વહેલી સવારે 4 કલાકે જુનિયર ક્લાર્ક નું પેપર વાઇરલ થયા હવન કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડ દ્વારા 9 એપ્રિલના રોજ ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા કાયદા પ્રમાણે આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે એસ.ટી. બસ મફત સેવા આપવામાં આવશે ઉપરાંત 254 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
6000 બસોની વ્યવસ્થા કરવામાં આવી: પરીક્ષા માટે કુલ 6000 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સારી રીતે થઈ શકે તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય સચિવ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારી સાથે પણ વિડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની સમીક્ષા કરવામાં આવી હતી.
9 લાખ ઉમેદવારો ટ્રાવેલ એલાઉન્સ:ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવ લાખથી વધુ ઉમેદવારો નવું એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. રાજ્ય સરકાર દ્વારા તમામ ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સમાં આપવામાં આવશે અને પ્રતિ ઉમેદવારોને 254 રૂપિયાનો ટ્રાવેલ એલાઉન્સનું નક્કી કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો પરીક્ષા આપશે તેને જ એલાઉન્સ મળવા પાત્ર થશે. જ્યારે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે એસટી બસની મફતની સુવિધા પણ કરવામાં આવી છે. તમામ શહેરના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને પરીક્ષા દરમિયાન કોઈ રીક્ષા ચાલકો પરીક્ષાર્થીઓ પાસેથી વધુ ભાડું વસૂલ ન કરે તેને ધ્યાનમાં લઈને રીક્ષા ચાલક એસોસિએશન સાથે બેઠક કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
બેગ કેન્દ્રની બહાર રાખવી પડશે:પસંદગી સેવા મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાના અડધો કલાક પહેલા જ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ઉપર આવી જવાનું રહેશે અને કોઈપણ પરીક્ષાર્થીની બેગ વર્ગખંડની બહાર નહીં પરંતુ જે તે પરીક્ષા કેન્દ્ર ના મુખ્ય દરવાજા ઉપર જ મૂકવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા ખંડમાં સાદી ઘડિયાળ લઈ જઈ શકશે પરંતુ ઇલેક્ટ્રોનિક્સ કે સ્માર્ટ વોચ નહીં લઈ જઈ શકે.