અમદાવાદ : જુનાગઢમાં મનપા દ્વારા રેશમ પીર બાબાની દરગાહને નોટીસ આપવામાં આવી હતી. આ મુદ્દે આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારબાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. જોકે, પોલીસે તોફાન પર કાબુમાં મેળવવી આરોપીઓને દરગાહ સામે ઉભા રાખીને ફટકારવામાં આવ્યા હતા. આ બાબતે હવે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
મનપાની નોટીસ : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં કુલ આઠ ધાર્મિક સ્થળોને ગેરકાનૂની બાંધકામ અંતર્ગત નોટિસ આપવામાં આવી હતી. જેમાં પાંચ મુસ્લિમ સમુદાયના અને ત્રણ હિન્દુ સમુદાયના સ્થળ હતા. આ નોટિસમાં જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલ રેશમ પીર બાબાની દરગાહનો પણ ઉલ્લેખ હતો. દરગાહના આધાર પુરાવા રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી હતી.
જાહેર હિતની અરજી : મનપાની નોટિસ બાદ જૂનાગઢનું વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાનો ફાટી નીકળ્યા હતા. જોકે પોલીસે આ તોફાનને પર કાબુ મેળવી આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીઓને દરગાહ સામે ઉભા રાખીને ફટકારવામાં આવ્યા હતા. આ આરોપીઓએ હવે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પોલીસે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના તેમના પર અત્યાચાર ગુજાર્યો છે.
પોલીસ પર આરોપ : ગુજરાત હાઇકોર્ટમાં લોક અધિકાર સંઘ અને માયનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી દ્વારા આ જાહેરહિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસે કોઈપણ પ્રકારની કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર કાર્યવાહી કરી હતી. કોર્ટમાં આરોપીઓ હજુ ગુનેગાર પણ સાબિત થયા ન હતા. ત્યારે, તેમને માર મારવા એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આવી રીતે જાહેરમાં કોઈને પણ માર મારી શકાય નહીં તેથી આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવે. આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં આગામી સુનાવણી 28 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
શું બન્યું હતું તે રાત્રે ?આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દરગાહના બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે દરગાહ તોડી પાડવામાં આવશે તેવી વાત સાથે વાતાવરણ તંગ બની ગયું હતું. 16 જૂન શુક્રવાર મધ્યરાત્રીથી જૂનાગઢમાં તોફાન ચાલુ થઈ ગયા હતા. જેમાં લગભગ 2000 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ ટોળાએ ST બસ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત વાહન સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં પોલીસ અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે તોફાની તત્વોની અટકાયત કરી દરગાહ સામે કેટલાક આરોપીઓને ઉભા રાખીને જાહેરમાં ફટકાર્યા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
- Junagadh Violence: દરગાહ દૂર કરવા મુદ્દે પોલીસ પર પથ્થરમારો, એક વ્યક્તિનું મોત
- Jamnagar News : જામનગરમાં રણજીત રોડ પર આવેલી દરગાહ હટાવતું ગુપ્ત રાહે તંત્ર