તથ્ય પટેલ સામે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ અમદાવાદ:વર્ષ 2023ના સૌથી ચર્ચાસ્પદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે દિવસ રાત કામ કરીને 7 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ પરીક્ષણ, સાક્ષીઓના નિવેદન, ગાડીની કંપનીના રિપોર્ટ, RTO રિપોર્ટ, FSL, DNA રિપોર્ટ, અકસ્માત સમયનો લાઈવ વીડિયો સહિતના તમામ પાસાઓ અંગેની કાર્યવાહી પૂર્ણ કરીને અંતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ કેસની ગંભીરતા દાખવીને એક મહિનામાં ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહીનું નિવેદન ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું છે.
" આ કેસમાં દિવસ રાત કામ કરીને 7 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. તથ્ય પટેલને પકડી 3 કલાકમાં જ બલ્ડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેમજ નાનામાં નાનો પુરાવો પણ બાકી ન રહી જાય તે માટે પોલીસે દિવસ રાત કામ કર્યું છે." - પ્રેમવીરસિંહ યાદવ, ઈન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ
19 જુલાઈ રાતે 11થી 12 વચ્ચે શું થયું: આ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો ગત 19મી જુલાઈના રોજ રાતનાં સાડા અગિયાર વાગે આસપાસ 17 વર્ષનો સગીર થાર ગાડી લઈને જમવાનું લેવા માટે જતો હતો અને ઈસ્કોન બ્રિજ પર એક ડમ્પરની પાછળ થાર ગાડી ધુસી જતા અક્સમાત સર્જાયો હતો. જે ઘટનામાં થાર ચાલક સગીરને કોઈ ઈજાઓ થઈ ન હતી. પરંતુ ગાડીને નુકસાન થયું હતું. તે બાદ તરત જ ડમ્પર ત્યાંથી નીકળી ગયું હતું. પરંતુ બ્રિજ પરથી પસાર થતા લોકો અકસ્માત થતા જોવા માટે બ્રિજ પર ઉભા રહી ગયા હતા. તે સમયે થલતેજ તરફથી 2 પોલીસ સ્ટેશન પરત ફરતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંગ પરમાર અને હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણ આ અકસ્માતને જોતા ત્યાં તેમનો જ વિસ્તાર હોવાથી કામગીરીમાં ઉભા રહ્યા હતા.
ફુલસ્પીડમાં જેગુઆરે 9 લોકોને મારી ટક્કર: સાડા બારથી એક વાગેનો સમય હોય કર્ણાવતી ક્લબ તરફથી એક જેગુઆર કાર (GJ01WK0093) પૂરઝડપે આવતા અચાનક બ્રિજ પર ઉભેલા 25થી 30 લોકોને અડફેટે લીધા હતા. જે ઘટનામાં સ્થળ પર જ 6 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે હોસ્પિટલમાં અન્ય 3 લોકો જેમાં બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાનનું મોત થયું હતું. જેમાં અક્ષય ચાવડા, કૃણાલ કોડિયા, અમન કચ્છી, અરમાર વઢવાણીયા, અને નીરવ રામાનંદ, રોનક બિહલપુરા, હોમગાર્ડ નિલેશ ખટીક, હેડ કોન્સ્ટેબલ જશવંતસિંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમારનું મોત થયું હતું. આ ઘટના બાદ ત્યા હાજર લોકોએ કાર ચાલકને પકડી ઢોર માર માર્યો હતો અને તે ઓવર સ્પીડમાં કાર ચલાવતો હોવાની કબૂલાત કરતો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટના બાદ કાર ચાલકના પિતા ત્યા આવ્યા હતા અને આસપાસનાં લોકોને ડરાવી દીકરાને લઈ જઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયા હતા.
20મી જુલાઈના રોજ શું બન્યું:આ ગંભીર અકસ્માતના પગલે મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત 13 જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. 20મી જુલાઈએ વહેલી સવાર પડતા શહેર સહિત રાજ્યભરમાં આ અકસ્માતની જાણ થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતું, જે બાદ સવારે હર્ષ સંધવી સોલા સિવિલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. જે બાદ મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસ નેતા સહિત અનેક લોકોએ મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારની મુલાકાત લીધી હતી. જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ અને એક મહિનામાં ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
તથ્ય પટેલને લોકોએ માર્યો માર: અકસ્માત સર્જનારનુ નામ તથ્ય પટેલ હોવાનું અને તે ગોતા પાસે રહેતો હોવાની હકીકત બહાર આવી હતી. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ તેને લઈને એસજી હાઈવેની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હોય પોલીસે ત્યાં પહોંચી જાપ્તો મુકી દીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક તથ્ય પટેલને લોકોએ માર માર્યો હોય તેને ઈજાઓ થઈ હતી. જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ હતી. જેમાં પોલીસે વધુ તપાસ કરતા કારમાં તેની સાથે અન્ય મિત્રો જેમાં 2 યુવતી અને બે યુવકો હોવાનું ખુલ્યું હતું. જે તમામ ઘટના બાદ ફરાર થઈ ગયા હોય તેઓની શોધખોળ હાથ ધરાઈ છે.
આરોપીના પિતા સામે ગુનો દાખલ: બપોર પડતા જ એસ.જી 2 ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તરીકે તથ્ય પટેલ અને તેને ભગાડી જવામાં મદદ કરનાર તેના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં IPC ની કલમ 279,337,338,304,504, 506(2), 114 અને મોટર વાહન અધિનિયમની કલમ 177,184, 134(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા પોલીસે પહેલો જે અકસ્માત થયો તે થાર ચાલક સગીર અને તેના પિતાને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી. તે સગીર હોવાથી તેના પિતા સામે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
SITની રચના: આ કેસની ગંભીરતા જોઈને એક SITની રચના કરવામાં આવી હતી. જેમાં એક ડીસીપી, એસીપી અને 6 પીઆઈ સહિત અનેક પોલીસકર્મીઓની ટીમ સામેલ કરાઈ હતી. પોલીસે તાબડતોબ તપાસ કરીને સૌથી પહેલા તથ્ય પટેલ સાથે કારમાં સવાર તેના મિત્રોની અટકાયત કરી હતી. જે તમામ યુવકોના નિવેદન લેતા તથ્ય પટેલની કાર ઓવર સ્પીડમાં હોવાનું ફરી પુરવાર થયું હતું. જોકે પ્રગ્નેશ પટેલના પિતા અને તેઓના વકીલ દ્વારા તથ્ય પટેલનો બચાવ કરવામાં આવતા નિવેદનો કરવામાં આવ્યા હતા.
આરોપી પુત્ર અને પિતાની ધરપકડ: FSLની ટીમે સ્થળ પર તપાસ કરી લોહીના નમુનાઓ મેળવ્યા હતા તેમજ કારમાંથી પણ DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાંજના સમયે તથ્ય પટેલની હોસ્પિટલમાંથી સારવાર પૂર્ણ થતા સરખેજમાં એસ.જી 2 પોલીસ મથકે લાવીને મેડિકલ ટેસ્ટ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ તેને ભગાડી જનાર પિતાની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ઘટનાનું રિકંસ્ટ્રક્શન: થોડી મીનીટો બાદ પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ ઈસ્કોન બ્રિજ પર લઈ જઈને પંચનામું કર્યું હતું. થાર ગાડીનો અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે તથ્ય પટેલે ગાડી પૂરઝડપે ચલાવીને લોકોને કચડી નાખ્યા તે સમગ્ર ઘટનાનું રીકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું. તે સમયે આરોપી બાપ દિકરાએ કાન પકડીને પોતાની ભૂલ માનીને ઉઠકબેઠક કરવાનુ નાટક પણ કર્યું હતું.
21 જુલાઈ:ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આ કેસમાં કોઈ પણ કચાશ રહી ન જાય તે માટે અલગ અલગ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં એક બાઈક ચાલક દ્વારા ઘટના સમયના લાઈવ ફૂટેજ રેકોર્ડ કરાયા હતા. તે પોલીસને હાથે લાગતા હતા તેની પણ ખરાઈ કરવા FSL માં મોકલવામાં આવ્યા હતા. સાંજનાં સમયે તથ્ય પટેલ તેમજ પ્રગ્નેશ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડમાં માંગ કરવામાં આવી હતી. કોર્ટે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી તેના પિતાને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જે બાદ પોલીસે મોડી રીત્રે ઘટના બની તે સમયની આસપાસ કારચાલક નબીરા તથ્ય પટેલને સાથે રાખીને RTO ની ટીમ જોડે રાખીને ઘટના સ્થળે અજવાળુ કેટલું હતું તે અંગે પંચનામું કર્યું હતું. તથ્ય પટેલે અંધારુ હોવાથી કઈ દેખાયુ નહીં તેવુ નિવેદન આપતા પોલીસે તે સામે પણ પાકો પુરાવો થઈ જાય તે માટે આ પંચનામું કર્યું હતું. જેમાં પણ સ્થળ ઉપર પુરતો પ્રકાશ હોવાનું ખુલ્યું હતું.
22 જુલાઈ: ટ્રાફિક પોલીસે તથ્ય પટેલના રિમાન્ડ મેળવ્યા હોવાથી તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તેણે પોલીસની તપાસમાં સહકાર ન આપ્યો હતો. જે બાદ પોલીસે તથ્ય પટેલની જેગુઆર કારનો રિપોર્ટ મેળવવા માટે જેગુઆર કંપનીમાં જાણ કરી. પોલીસે સાથે જ આ કેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાના શરૂ કર્યા હતા. તથ્યની પૂછપરછની સાથે તેની સાથે કારમાં સવાર આર્યન પંચાલ, શ્યાન સાદર, શ્રેયા, ધ્વનિ પંચાલ અને માલવિકા પટેલની પૂછપરછ કરી હતી. સાથે જ પોલીસે તથ્ય પટેલના દારૂ અને ડ્રગ્સ રિપોર્ટ સહિતની તમામ તપાસ કરી હતી.
23 જુલાઈ:પોલીસે તથ્ય પટેલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતે ગાડીમાં બ્રેક ન મારી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ઘટનામાં મોતને ભેટેલા યુવકોના પરિવાજનોના નિવેદન લેવા માટે અલગ અલગ જિલ્લાઓમાં ટીમો રવાના કરી. તથ્ય પટેલનો દારૂ તેમજ ડ્રગ્સ અંગેનો રિપોર્ટ પણ આવી ગયો હતો જે નેગેટીવ આવ્યો હતો. કારની બ્રેક ટેસ્ટ પણ આરટીઓ દ્વારા કરવામાં આવી, જેમાં કારની બ્રેક ફેઈન ન થઈ હોવાનું પુરવાર થયું. તેમજ તથ્ય પટેલનો મોબાઈલ કબ્જે કરી તેની પણ તપાસ શરૂ કરી હતી. જે પહેલા તથ્ય પટેલનો સિંધુભવન રોડ પર થાર લઈને એક કેફેમાં નુકસાન કરાયુ હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા, જે અંગે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
24 જુલાઈ: 24મી જુલાઈએ તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. અકસ્માતનો બનાવ બન્યો તે સમયે 17 થી વધુ પ્રત્યક્ષ દર્શી સાક્ષીઓ મળી આવતા તેઓના નિવેદન પણ ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા. વધુમાં વાહનની સ્પીડ 141.27 હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો હતો, વાહનની લાઈટ પણ પૂરતી હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો હતો. જોકે તથ્ય પટેલે થોડા સમય પહેલા ગાંધીનગરમાં અકસ્માત સર્જયો હોવાની તપાસમાં હકીકત સામે આવતા પોલીસે તે મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
25 જુલાઈ:આ કેસમાં એક બાદ એક તમામ પરિક્ષણના રિપોર્ટ આવવાના શરૂ થઈ ગયા હતા. જેમાં 25મી જુલાઈએ એકસ્માત કરનાર જેગુઆર ગાડીના કંપનીમાંથી રિપોર્ટ પણ હવે પોલીસને મળી ગયા હતા. અકસ્માત કરનાર જેગુઆર ગાડીના યુ.કેથી આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે ગાડી ટક્કર મારતા 0.5 સેકન્ડમાં લોકો પર ગાડી ફરી ગઈ હતી અને ગાડીની સ્પીડ 137 કિલોમીટરથી વધુની હતી. અકસ્માત કર્યા બાદ 108 કિલોમીટરની સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો નથી, તે પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું.
26 જુલાઈ: આ કેસમાં 26મી જુલાઈએ પોલીસ દ્વારા કેસમાં આઈપીસીની કલમ 308નો પણ ઉમેરો કર્યો હતો. વધુમાં તથ્ય પટેલના ડીએનએ અને ઘટના સ્થળ પરથી મળેલા લોહીના રિપોર્ટ પણ આવી જતા તેમાં પણ આરોપી તથ્ય પટેલ પોતે જ કાર ચલાવતો હોવાનો વધુ એક પુરાવો પોલીસ પાસે આવી ગયો હતો. ટ્રાફિક પોલીસે આ કેસની તપાસમાં અલગ અલગ 8 થી 10 જેટલા રિપોર્ટ એકઠા કર્યા હતા. જેમાં FSL રિપોર્ટ, RTO રિપોર્ટ, જેગુઆર કંપનીનો રિપોર્ટ, DNA રિપોર્ટની સાથે પોલીસે આ કેસ સાથે સંકળાયેલા 30 અને અન્ય મળીને 200 જેટલા લોકોના નિવેદન લીધા હતા અને કારમાં તથ્ય પટેલ સાથે સવાર તેના મિત્રો સહિત ઘટના સ્થળ પર હાજર 17 લોકોને સાક્ષી બનાવી નિવેદન લીધા હતા. અને તપાસ પૂર્ણતાને આરે આવતા ચાર્જશીટ માટેની તમામ કામગીરી પૂર્ણ કરી હતી.
27મી જુલાઈ: આ કેસમાં પોલીસે 7 દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરીને 1684 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. તેમજ 15 દસ્તાવેજી પુરાવા, 8 પોસ્ટ મોર્ટર્મ નોટ, 181 સાહેદોના નિવેદન, 164 નિયમ મુજબના 08 લોકોના નિવેદન, કુલ 25 પંચનામાં, 08 સારવાર સર્ટિફિકેટ તમામ બાબતો સાથેની ચાર્જશીટ ફાઈલ કરવામા આવી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટમાં CC NUMBER 9125/23 છે. તેવામાં હવે આ સમગ્ર કેસની કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામા આવશે. સાથે જ આ કેસમાં ગાંધીનગર તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે જેમાં તેને 31મી ડિસેમ્બરના રોજ સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં એક મંદિરને ગાડીથી ટક્કર મારી નુકસાન પહોચાડ્યું હતું. તેમજ તેના ડ્રાઈવિંગ લાયસન્સને પણ રદ્દ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
- Iscon Bridge Accident: તથ્ય પટેલ 14 દિવસના જેલ હવાલે, જેગુઆરની સ્પીડ 140થી વધુ હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું
- Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...