અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 અમદાવાદમાં શરૂઆત થઈ રહી છે, જેને લઇને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેવાના છે. જે માટે 1600થી વધુ પોલીસ જવાનો ખડેપગે પોતાની જવાબદારી અદા કરશે. આ સાથે 5 DCP અને 10 ACP કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ટ્રાફિક નિવારણ અને દેખરેખ માટે 4 DCP, 6 ACP અને 1500 જેટલા ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ઓનલાઇન વાહન પાર્કિંગ એપ : મેચ દરમિયાન સૌથી જટિલ એવી પાર્કિંગ વ્યવસ્થા આ વખતે આયોજન બધ્ધ તૈયાર કરાઈ છે. જેમાં મેચ નિહાળવા આવતા પ્રેક્ષકો માટે AMTS, BRTS અને મેટ્રોના સમય તેમજ રુટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મેચ દરમિયાન વ્હિકલ પાર્કિગમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ શો માય પાર્કિંગ એપ પરથી વાહન પાર્કિંગ બુક કરી તેની ઈ-ટિકિટ ઓનલાઈન મેળવી શકાશે. જેથી લોકોને પોતાના વાહન પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે. આ સાથે પાર્કિંગ માટે 20 જેટલા પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે.
દર્શકો માટે વ્યવસ્થા : પાર્કિંગ પ્લોટ પાસેથી પ્રેક્ષકોને આવવા જવા માટે ફ્રી શટલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેચ દરમિયાન ગેટ નં 1 અને ગેટ નં 2 પર સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તમામ વ્યવસ્થા પૂર્ણરૂપે અમલમાં મુકવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા પ્રેક્ષકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જેમાં પ્રેક્ષકોને પોતાના સમયમાં સ્ટેડિયમમાં પ્રવેશ કરી લેવો અને પોતાની સાથે વધારાનો સામાન સ્ટેડિયમમાં ન લઈ જવા અપીલ કરવામાં આવી છે.