ગુજરાત

gujarat

ETV Bharat / state

Human trafficking : માનવતસ્કરીનો મહાપ્લાન ખોલશે ગુજરાત CID ક્રાઇમ, જુઓ અમેરિકામાં ઘૂસણખોરીનો રુટ - ઓન એરાઇવલ વિઝા

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના પ્રકરણમાં હવે ગુજરાત CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ફ્રાન્સથી પરત ફરેલા 60 થી વધુ ગુજરાતી પ્રવાસીઓની પૂછપરછ કરવામાં આવતા મોટા ખુલાસા થયા છે. જેમાં ગેરકાયદેસર પ્રવેશનો રુટ અને વિઝા મેળવવા સહિત માનવ-તસ્કરીનો મહાપ્લાન સામે આવ્યો છે. રાજ્યના CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડિયન સાથેની વાતચીતના મુખ્ય અંશ જુઓ...

Human trafficking
Human trafficking

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 4:18 PM IST

Updated : Jan 2, 2024, 5:00 PM IST

માનવતસ્કરીનો મહાપ્લાન ખોલશે ગુજરાત CID ક્રાઇમ

ગાંધીનગર : ફ્રાન્સ સરકારે ભારતથી અમેરિકામાં ગેરકાયદેસર માનવ તસ્કરીના પ્રયાસનો પર્દાફાશ કર્યો છે. ફ્રાન્સથી મુંબઈ પરત ફરેલી ફ્લાઈટમાં ગુજરાતના 20 નહીં પરંતુ 60 થી વધુ લોકો પરત આવ્યા હતા. જેમાં ગુજરાત CID ક્રાઇમ દ્વારા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પૂછપરછમાં કુલ 15 જેટલા એજન્ટના નામ સામે આવ્યા છે. રાજ્યના CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડિયને ETV BHARAT સાથેની વાતચીતમાં આ અંગે માહિતી આપી હતી, જુઓ

ગ્રાઉન્ડ લેવલથી તપાસ શરૂ :ગુજરાત CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડિયને ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં 60 જેટલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં હવે તમામ લોકોનાં પાસપોર્ટ જપ્ત કરીને ગ્રાઉન્ડ લેવલની તપાસ હાથ ધરી છે. આ તમામ લોકોને કયા માધ્યમથી અને કોના થકી એર ટિકિટ બુક કરાવી, હોટલ અને દુબઈની ટિકિટ, અન્ય કેટલા લોકો અને કોણ કોણ આ રેકેટમાં સામેલ છે, એ તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે.

એજન્ટો કોણ ?પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તમામ લોકો દુબઈમાં 2 દિવસ રોકાયા હતા. ત્યારબાદ અન્ય એજન્ટ મારફતે ફ્રાન્સ પહોંચ્યા હતા. મુસાફરો જ્યાં જ્યાં રોકાયા હતા ત્યાં કયા એજન્ટ સામેલ છે એ પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત અહીંયા એજન્ટો સાથે મુસાફરોની મુલાકાત કોણે કરાવી હતી એ બાબતે તપાસ CID ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઓન એરાઇવલ વિઝા :ઇસ્ટ અમેરિકાના નિકારાગુઆમાં ઓન એરાઇવલ વિઝાની સુવિધા પ્રવાસીઓને આપવામાં આવે છે. ત્યારે આ તમામ લોકો ડ્રાઇવર વિઝા લઈને નિકારાગુઆમાં રહેવાના હતા. ત્યારબાદ ત્યાંથી મેક્સિકો અને મેક્સિકોથી યુએસ જવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના હતા તેઓ ફક્ત રાત્રે જ નોકરી કરી શકે તેવી શરત મૂકવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આમ નોકરીની લાલચ આપીને પણ તેઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ આપવાની વિગતો છે, જ્યારે આવી રીતે નોકરી મળે તો ત્યાંના વેપારીઓ, નોકરી આપનારને ઓછો પગાર ચૂકવવો પડે છે.

અમેરિકામાં ઘૂષણખોરીનો રુટ :રાજકુમાર પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસીઓને પૂછપરછ કરી કુલ 66 વ્યક્તિના પાસપોર્ટ નંબર મેળવીને તપાસ હાથ ધરવામાં આવી છે. તેમના નામ સરનામાંના આધારે મોટાભાગના વ્યક્તિઓ મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ તમામ લોકોએ ફક્ત ધોરણ આઠથી 12 સુધી જ અભ્યાસ કર્યો હતો. અમેરિકામાં ગેરકાયદેસર રીતે જવા માટે આશરે 60-80 લાખમાં લોકલ એજન્ટ મારફતે અમદાવાદથી દુબઈ અને દુબઈથી નિકારાગુઆ પહોંચવાના હતાં. ત્યાંથી એજન્ટોના માણસો સાથે અમેરિકાની બોર્ડર ક્રોસ કરવાના હતા. અમેરિકામાં ગેરકાયદેસર જતા વ્યક્તિએ એક હજારથી ત્રણ હજાર ડોલર એજન્ટોએ આપવાની વાત કરી હતી.

માનવતસ્કરીનું મહાપ્લાનિંગ :ગુજરાત CID ક્રાઈમ દ્વારા આ મામલે ગહન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના 66 જેટલા પેસેન્જરોને દુબઇના વિઝા કઈ રીતે મળ્યા, કયા એજન્ટ મારફતે અને વિઝા ફી કયા બેંક ખાતામાંથી આપવામાં આવી, દુબઈથી LEGEND AIRWAYS થી 21 ડિસેમ્બર 2023 ના રોજ FUJARAIH એરપોર્ટ પર પાસપોર્ટમાં સિક્કા પણ નહોતા જેથી દુબઈથી નિકારાગુઆના વિઝા કઈ રીતે મેળવ્યા ? દુબઈથી ટિકિટ કઈ રીતે લેવામાં આવી ? ફ્લાઇટ કોણે બુક કરાવી ? જેવી તમામ વિગતો મેળવવામાં આવશે. દુબઈ ખાતેથી આ તમામ માહિતી મેળવવા CID દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

  1. Human Trafficking Case : ફ્રાન્સથી પરત ફર્યાં ગુજરાતીઓ, સીઆઈડી ક્રાઇમ સઘન તપાસ કરશે , એજન્ટો વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી
  2. સુરતમાં સામે આવી માનવ તસ્કરીની ઘટના, ઝારખંડની 5 સગીરા સહિત 30 યુવતી મુક્ત કરાઈ
Last Updated : Jan 2, 2024, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details