ગુજરાત

gujarat

ETV Bharat / state

ISKP Module: ISKPના આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા, મુંબઈમાં થયેલા 26/11 જેવો હુમલાનો પ્લાન, કમાન્ડન્ટના આદેશની હતી રાહ - ISKP Module

ગુજરાત એટીએસની ટીમે પોરબંદરમાં ISKP સંગઠન સાથે જોડાયેલા એક મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુંબઈમાં થયેલા 26/11 જેવો હુમલાનો પ્લાન ઘડ્યો હતો તેવું પૂછપરછમાં જણાવ્યું છે. સુમેરાબાનુની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી.

સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી
સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી

By

Published : Jun 12, 2023, 3:08 PM IST

Updated : Jun 12, 2023, 5:56 PM IST

મુંબઈમાં થયેલા 26/11 જેવો હુમલાનો પ્લાન ઘડ્યો

અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે હાલમાં જ પોરબંદર અને સુરતમાંથી ISKP સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિતના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે તેઓના 13 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ મુખ્ય આરોપી સાથે મળીને 26/11 ની જેમ આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલે સુરતથી ઝડપાયેલી સુમેરાબાનુએ પૂછપરછ દરમિયાન મોટા ઘટસ્ફોટ કર્યા છે.

એક મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ

સુમેરાબાનુએ કર્યો મોટો ખુલાસો: આ સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમે મૂળ કાશ્મીરના અને પોરબંદરમાં રહેતા ઉબેદ નાસીર મીર, હનાન હયાત સોલ, મહમદ હાજીમશાહ અને સુમેરાબાનું મહમદ હનીફ મલેકની ધરપકડ કરી હતી. જેમાં સુરતમાંથી ઝડપાયેલી સુમેરાબાનુની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા તૈયાર હતી. તે માટે રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોઈ રહી હતી.

આરોપીના પરિચિત વ્યક્તિ રાજકીય પક્ષ સાથે સંબંધ:આ મામલે સુમેરાબાનુની તપાસ કરતા તેણે પૂછપરછમાં કબુલાત કરી હતી કે તેના એક પરિચિત વ્યક્તિ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે, જોકે તે રાજકીય વ્યક્તિ સુમેરાબાનુને ઓળખતી ન હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં સુમેરાબાનું કમલમમાં અને કમલમના અમુક નેતાઓની રેકી કરવા બાબત ગુજરાત ATSએ નકારી છે. ધોરણ 12 સુધી ભણેલી સુમેરાબાનુના લગ્ન દક્ષિણ ભારતમાં થયા પછી તેણે સાસરીમાં અંગ્રેજી બોલવાનું શીખ્યું હતું. તેના પતિ સાથે મનમેળ ન થતા બે બાળકો સાથે સુરત રહેવા આવી ગઈ હતી. કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તે કોર્ટમાં પોતાના કેસની સુનવણી સમયે જઈને ત્યાંના સુરક્ષા વ્યવસ્થાથી લઈને જજ અને વકીલોની અવરજવરને પણ રેકી કરી હતી.

DYSP કે.કે પટેલને બાતમી મળી હતી જેના આધારે પોરબંદર માંથી ત્રણ અને સુરતમાંથી એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓની તપાસમાં અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે આરોપીઓ શ્રીનગરના ઝુબેર નામના અન્ય આરોપીના સંપર્કમાં રહીને સમગ્ર કામ કરતા હોય ઝુબેરને પણ શ્રીનગર એટીએસની મદદથી ધરપકડ કરવામાં આવી છે. સુમેરાબાનુને કોર્ટમાં કેસ ચાલતો હોય તે અવારનવાર કોર્ટમાં જતી હતી અને રેકી પણ કરતી હતી. તમામ આરોપીઓ દરિયાઈ મારફતે અફઘાનિસ્તાન પહોંચવાના હતા જો કે તે પહેલા તેઓને પકડી પાડવામાં આવ્યા છે. - એસ.એલ ચૌધરી, DYSP, ગુજરાત ATS

26/11 નો જેવા આતંકી હુમલાનો પ્લાન: વિશ્વસનીય સુત્રો દ્વારા અપાયેલી માહિતી અનુસાર સુમેરા બાનુએ ગાંધીનગર ભાજપના કાર્યાલય કમલમની પણ રેકી કરી હતી અને ત્યાં અવરજવર કરતા નેતાઓની પણ રેકી કરી હતી. મુંબઈમાં જે પ્રકારે 26/11 નો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેવો જ પ્લાન કાશ્મીરી આતંકીઓએ અફઘાનિસ્તાન જઈને હુમલો કરવા માટે કર્યો હતો. જેમ કે બોટમાં જોડે ડ્રાયફ્રૂટ્સ રાખવા, મધદરિયે બોટના ટંડેલની હત્યા કરવા છરો રાખવો, તે બોટ થકી GPS મારફતે દરિયાકાંઠે પહોંચવું આવુ પ્લાનિંગ કર્યું હતું. જે પ્રકારે આતંકી કસાબે ભારતમાં હુમલો કર્યો હતો તે જ પ્રકારે કાશ્મીરી આતંકીઓ ભારતમાંથી અફઘાનિસ્તાનમાં જઈને ત્યાં હુમલો કરવાના હતા. જેનું મુખ્ય કારણ આ તમામ આતંકીઓ ISKP સાથે સંકળાયેલા છે જે સંગઠન તાલિબાની વિચારધારાનો વિરોધી છે.

મુખ્ય માસ્ટરમાઈન્ડ ઝુબેર અહેમદ ચારેય આરોપીઓની પૂછપરછના આધારે ઝુબેર મુનશીને શ્રીનગર એટીએસની મદદથી પકડી પાડવામાં આવ્યો છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે અમદાવાદ એટીએસ કચેરી ખાતે લાવીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની અને વધુ તપાસ માટેની કાર્યવાહી ગુજરાત એટીએસએ હાથ ધરી છે. આ કેસમાં પોરબંદર અને સુરતથી ઝડપાયેલા આરોપીઓની તપાસમાં ઝુબેર મુનશીનું નામ સામે આવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં ઘડાયો આતંકી પ્લાન: મહત્વનું છે કે આ સમગ્ર મામલે આરોપીઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોય અને જિલ્લા ઘણા સમયથી ગુજરાતમાં રોકાયા હોય ત્યારે તેઓની પૂછપરછ કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA, RAW, સહિત સેન્ટ્રલ આઈબી અને કાશ્મીર ATS સહિત અનેક એજન્સી જોડાશે. આરોપીઓ દ્વારા ગુજરાતમાં હુમલાની તૈયારીઓ અને ગુજરાતમાં રેડીકલાઈઝ થઈને અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો કરવાનો પ્લાન હતો તેને લઈને પૂછપરછ કરવામાં આવશે.

બાતમીના આધારે ગોઠવી હતી વોચ: ગુજરાત ATSના અધિકારીને બાતમી મળી હતી કે ISKP ( ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ) ના ત્રણ આતંકીઓ જેમાં હાનન હયાત, હાઝિમ શાહ અને ઉબેદ મીર ગુજરાતમાં આવી અહીંયાંથી દરિયાઈ રસ્તે અફઘાનિસ્તાનમાં જવાના છે, તે બાતમી એટીએસને મળી હતી અને છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ તાવી ટ્રેન જ્યારે રાજસ્થાનના જોધપુરમાં પહોંચી ત્યારે ટ્રેનમાં આતંકીઓને ઓળખીને તેઓના આસપાસ ગુજરાત પોલીસની ટીમ વેશ પલટો કરીને ગોઠવાઈ ગઈ હતી અને તેમના ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. DYSP એ આ અંગે DIG દીપન ભદ્રન અને પોલીસવડા વિકાસ સહાય તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને જાણ કરાઈ હતી.

આતંકીઓ કાલુપુર સ્ટેશન પર ઉતર્યા હતા:જોધપુરથી અમદાવાદ મુસાફરી કરતા સમયે પોલીસની અલગ અલગ ટીમો સતત આરોપીઓ પર વોચ રાખી રહી હતી અને આરોપીઓ ગુજરાતમાં પણ સ્ટેશન પર કે કોઈ જગ્યાએથી ફરાર ન થઈ જાય તે માટે ખાનગી કપડામાં કોચમાં ગોઠવાઈ ગઈ હતી. આતંકીઓ કાલુપુર સ્ટેશન પર ઉતર્યા ત્યારે કોચમાં સવાર પોલીસ કર્મચારીઓએ બહારના ખાનગી વેશમાં હાજર પોલીસકર્મીને જાણ કરી અને બીજી ટીમએ આતંકીઓનો પીછો કર્યો હતો. આતંકીઓ ગુજરાતમાં પહોંચતા જ ગુજરાત એટીએસની આખી ટીમ તેઓની પાછળ લગાવી દેવામાં આવી હતી.

પોરબંદરથી આરોપીઓની ધરપકડ: સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં જવાના હોય અને ત્યાંથી અફઘાનિસ્તાન દરિયાઈ માર્ગે પહોંચવાના હોય તેવી આશંકાના આધારે ગુજરાત ડીટીએસના ઉચ્ચ અધિકારીઓ જામનગર પહોંચ્યા હતા. પરંતુ આતંકીઓ પોરબંદર ખાતે ગયા હોવાથી ત્યાંથી તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે ઝડપાયેલા ચારે આરોપીઓ અલગ અલગ નિવેદન આપી રહ્યા હોય તેઓની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને 13 દિવસના રિમાન્ડ મેળવી તેઓને આ સમગ્ર ષડયંત્ર પાછળ કેટલા લોકો સામેલ છે અને તેઓ ગુજરાતમાં કોની મદદ લઈને આ પ્રવૃત્તિ કરવાના હતા તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સુમેરાબાનુના ઘરમાંથી ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું: સુરતમાંથી પકડાયેલી સુમેરાબાનું મલેકના ઘરના કબાટમાંથી આઈએએસકેપીને લગતું ઉશ્કેરણીજનક અને કટરવાદી સાહિત્ય મળી આવ્યું છે. જેમાં પ્રથમદર્શી મુસ્લિમોને જીહાદ કરવાનો, અન્ય ધર્મના લોકો જેમાં મુખ્ય રીતે (ગાયોના દેશના રહેવાસીઓને) ચેતવણી આપતો, લોકશાહી વિરુદ્ધ મુસ્લિમોની ઉશ્કેરણી કરતો, મુસ્લિમ મહિલાઓને જીહાદમાં મદદરૂપ થવા માટેનો તેમજ કોઈપણ પ્રકારે યુદ્ધ કરવાનો સંદેશો હોવાનું જણાઈ આવ્યું છે. સુમેરાબાનું પાસેથી એક ઇસ્લામિક ભાષામાં લખેલ કાગળ પણ મળી આવ્યું છે, જે આઈએસકેપીના આમિરને આપવામાં આવતી બાયા'હનો નમુનો હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓના સાગરિતોની શોધ: મહત્વનું છે કે આ આરોપીઓ સાથે સતત સંપર્કમાં રહેલો કાશ્મીરનો ઝુબેર પણ ઝડપાઈ ચુક્યો હોય ત્યારે તેની પૂછપરછમાં પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહે છે. પકડાયેલા આરોપીઓને ગુજરાતના કોઈ સ્થાનિક વ્યક્તિની પણ મદદ મળતી હોય તે પ્રકારની આશંકા ગુજરાત એટીએસની સેવાઈ રહે છે, તેવામાં ગુજરાતમાં તેઓના સાગરીતો સહિતના અન્ય કોણ કોણ લોકો છે તે તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. Gujarat ATS: ઝડપાયેલા આતંકીઓના પ્લાનનો પર્દાફાશ, કાશ્મીરમાં ISKP ક્નેક્શન ખુલ્યું
  2. ISKP: ગુજરાત ATS એ પકડેલ આતંકવાદીનું જુથ ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ (પ્રાંત) શું છે?
  3. Gujarat ATS: આતંકી સંગઠન સાથે જોડાયેલી સુમેરાબાનુના ઘરેથી ગ્રાઉન્ડ રિપોર્ટ, પાડોશીએ કહ્યું- તેની વાણી, વ્યવહાર, વર્તન શંકાસ્પદ ન હતું
Last Updated : Jun 12, 2023, 5:56 PM IST

For All Latest Updates

TAGGED:

ISKP Module

ABOUT THE AUTHOR

...view details