અમદાવાદ: ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટમાં પોલીસને મોટી સફળતા મળી છે. દુબઈમાં બેસીને સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. ઇન્ટરનેશનલ સટ્ટા ટ્રાન્ઝેક્શન કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઝ ચલાવાતું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે મુંબઈમાં રહીને સીમકાર્ડ અને બેંક ખાતાઓને મેનેજ કરવાનું કામ કરતા સુજેશ સૂર્યકાંત શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
500 કરોડના ટ્રાન્જેક્શન:PCBએ રેડ સમયે કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન વાળા 538 જેટલા બેંક એકાઉન્ટની પાસબુક મળી આવી હતી. જેમાં 12 જેટલા બેંક એકાઉન્ટમાંથી 500 કરોડના ટ્રાન્જેક્શન વ્યવહારો મળી આવ્યા હતા. એક બેંક એકાઉન્ટમાંથી 5 કરોડ રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા. આ કેસમાં SITની ટીમે રાજસ્થાન અને મુંબઈમાં તપાસ શરૂ કરી છે. તમામ આરોપીઓ દુબઈમાં બેસીને સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
SITની રચના:ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શન કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ઇન્ટલએક્ચ્યુઅલ સર્વિસના નામે વિદેશી કંપનીઓની આડમાં કરોડોનો વ્યવહાર કરવામાં આવતો હોય જેથી તપાસ એજન્સીએ બેન્કના જવાબદાર અધિકારીઓને તપાસમાં મદદ માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે સટ્ટાના પૈસાનો વ્યવહારના તાર દુબઈ સુધી હોવાથી ED, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતની કેન્દ્રીય એજન્સીઓ હવે આ તપાસમાં જોડાઈ છે.
નાણાકીય વ્યવહારો કરતી ગેંગ ઝડપાઇ: આ ગુનામાં પકડાયેલો આરોપી દુબઈમાં બેઠેલા આરોપીઓ સાથે ડિસેમ્બર મહિનામાં મિટિંગ કરીને આવ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે અને તે મુખ્ય આરોપીઓ સાથે સીધા સંપર્કમાં હોવાથી આવનાર દિવસોમાં તેની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવશે. IPL ક્રિકેટ મેચ પહેલા જ ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટના નાણાકીય વ્યવહારો કરતી ગેંગ ઝડપાઇ હતી. અમદાવાદની PCB ટીમે દુધેશ્વરમાં સુમેલ બિઝનેસ પાર્ક-6 માં જે બ્લોકમાં 128 નંબરની ઓફિસમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામે સમગ્ર ગેરરીતિ ઝડપી પાડી હતી. આ મામલે ઓફિસમાંથી પોલીસે જીતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી હર્ષિત વોન્ટેડ:આ મામલે ઝડપાયેલો આરોપી સુજેશ શાહ વોન્ટેડ બુકી કુણાલ ઉર્ફે રોકી સાથે સંપર્કમાં હતો. વોન્ટેડ બુકી કુણાલ એ બેંક એકાઉન્ટ સાથેના એક્ટિવ સીમકાર્ડ મુખ્ય આરોપી હર્ષિત પાસે માંગ્યા હતા, સટ્ટા રેકેટમાં કરોડોના ટ્રાન્જેક્શન કરવા રાખેલ ઓફીસ સંચાલક હર્ષિત જૈન વોન્ટેડ છે. આરોપી હર્ષિત જૈન દ્વારા ઓફિસમાં કામ કરતા જીતેન્દ્રને બેંક એકાઉન્ટ સાથેના એક્ટિવ સીમકાર્ડ વાળું પાર્સલ સુજેશને મોકલવાનું કહ્યું હતું. પકડાયેલ સુજેશ દુબઈ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા દેશમાં ટ્રીપ મારી ચુક્યો છે. સુજેશ 23 માર્ચના રોજ શ્રીલંકા ગયો હતો. સુજેશ શ્રીલંકામાં કસીનોમાં રમવા જતો હતો અને તે દુબઈમાં રહેલા અનેક બુકીઓના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે.
આરોપીઓની સિટીઝનશીપ બાબતે તપાસ: ઇન્ટરનેશનલ સ્કેમ મહાદેવ એજન્સીના MPના સૌરભ ચંદ્રનાગર થકી ચાલતું હતું. ઇન્ટરનેશનલ સટ્ટા ટ્રાન્ઝેક્શન કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઝ ચલાવાતું હોવાનું ખુલ્યું હોવાથી હવે પોલીસ દ્વારા જે બેંકના ખાતાઓ મળી આવ્યા છે તે બેન્કના નોડલ અધિકારીને બોલાવી બેન્ક એકાઉન્ટની માહિતીઓ મેળવવામાં આવશે. સમગ્ર નેટવર્ક ચલાવનાર મુખ્ય સંચાલક મહાદેવ પાસે 50થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી, જે ટીમ દુબઇ બેઝ હોવાનું સામે આવ્યું છે. મહાદેવ એક ફ્રેન્ચાઇઝી નોન રીફન્ડેબલ પાંચ કરોડ રૂપિયામાં વેચતો હતો. આ મામલે તમામ આરોપીઓની સિટીઝનશીપ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ તો અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં તપાસ કરવામાં આવશે.
કરોડોના ટ્રાન્ઝેકશન કરવાનું કૌભાંડ: આ ગુનામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેક્નિકલ ટ્રેઇનિંગ મેળવી હતી. છેલ્લા વર્ષોમાં અસંખ્ય અને અકલ્પનિય ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે માત્ર બે વર્ષમાં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ માત્ર દેખાડો હોય અને તેની આડમાં કરોડોના ટ્રાન્ઝેકશન કરવાનું આ કૌભાંડ હોવાની આશંકા છે.