રાજા રવિ વર્મા તેમના ચિત્રોમાં સર્વદા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરતા હતા. તેમના પેઇન્ટિંગ્સને સાડીઓના વણાટમાં ઉતારવા માટે અદ્દલ એવા જ રંગ અને એક જ રંગની અલગ અલગ ઝાંય-શેડ્સ તૈયાર કરી છે. અજરખપુરના કારીગર જુનૈદ ખત્રીએ જાણીતા ડ્રેસ ડિઝાઈનર ગૌરાંગ શાહ અને રાજા રવિ વર્મા હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા સાકાર કરાયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ગાથા અત્યંત રોચક છે.
મહાન ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોને ખાદીની સાડીમાં વણાટ પર ઉતારવાનો એક નવતર પ્રયોગ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી સંદર્ભે ફાઉન્ડેશનને રાજા રવિ વર્માના પેઇન્ટિંગ્સને સાડી પર આબેહૂબ વણી લેવાનો વિચાર સ્ફૂર્યો. વસ્ત્ર-વણાટના કસબ અને રંગોની ઊંડી પરખ ધરાવતા ગૌરાંગ શાહે પડકાર ગણીને આ પ્રોજેક્ટને સાકાર કરવાનું બીડું ઝડપ્યું હતું.
રાજા રવિ વર્માના 54 ચિત્રોમાંથી અલગ અલગ ચિત્રોને 30 જેટલી સાડીઓ પર ઉતારવાનું નક્કી કરાયું હતું.. આ માટે ગૌરાંગ શાહે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના જાણીતા હાથવણાટ કામ જામદાની વણાટ પર પસંદગી ઉતારી. સદૈવ સદાબહાર એવી ખાદી પર આ ચિત્રો વણવાનું નક્કી કર્યું હતું. વણાટની જેમ જ ભારે મથામણનો મુદ્દો હતો. પ્રાકૃતિક રંગોમાં તૈયાર કરવાનો હતો.
ગૌરાંગ શાહે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર કામ ગહન ઝીણવટ અને જહેમત માંગી લે તેવું હતું. પેઇન્ટિંગ્સનો અભ્યાસ કર્યો તો સમજાયું કે, રાજા રવિ વર્માએ મૂળભૂત ચાર રંગોના સહારે કલ્પનાતીત 600 જેટલાં શેડ્સનો એવી બખૂબી ઉપયોગ કર્યો હતો. પહેલી નજરે તો તેવા શેડ્સ તૈયાર જ નહીં થાય તેવા વિચારો આવવા લાગ્યાં. પરંતુ, પછી મને એકાએક અજરખપુરમાં રહેતા જૂનૈદ ખત્રી યાદ આવ્યા. અને ખત્રીનો સંપર્ક કરી આ પ્રોજેક્ટ અંગે વાત કરીને ખત્રીએ પણ ચિત્રમાં હોય તેવા રંગ અને શેડ્સ તૈયાર કરવાનો પડકાર ઝીલી લીધો. આંખને આનંદથી ભરી દે તેવી લીલીછમ તેજસ્વી હરિયાળીથી લઈને અનંતનો આભાસ કરાવતા વાદળી નભને રંગની મદદથી સાકાર કરવા એ ભગીરથ કાર્ય હતું. પરંતુ જુનૈદ અને તેમની ટીમના 6 કારીગરોએ ચિત્રોનો બારીકાઈથી અભ્યાસ કરી એક એક શેડ્સને જીવંત કરે તેવા પ્રાકૃતિક રંગ તૈયાર કરવાનું શરૂ કર્યું.
એક જ રંગના આઠથી દસ શેડ્સની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય. પણ જુનૈદે કાળજીપૂર્વક ખાદીના 200 કિલોગ્રામ જેટલાં ધાગા (દોરા)ઓને બિન પરંપરાગત પધ્ધતિએ તૈયાર કરેલાં પ્રાકૃતિક રંગોથી તૈયાર કરી આપ્યાં. અમે રાજા રવિ વર્માના પેઇન્ટિંગ્સમાંથી સ્ત્રી, દેવી-દેવતાઓ અને પૌરોણિક કથાના પાત્રોના ચિત્રો પસંદ કર્યાં હતા. આ ચિત્રોને સાડીઓના પાલવમાં આબેહૂબ વણી લેવા માટે અમે તેને ડિજીટલી એન્લાર્જ કરી સાડીના પાલવની 6 મીટર સાઈઝના પેપર પર પ્રિન્ટ કર્યાં. આ પ્રિન્ટ પર જ શ્રીકાકૂલમની મહિલા કસબીઓએ કાળજીપૂર્વક એક-એક ઈંચનું વણાટ શરૂ કર્યું. રાજા રવિ વર્મા વક્ર પીંછીના સ્ટ્રોકથી ચિત્ર તૈયાર કરતા હતા.
શ્રીકાકૂલમની ગામઠી મહિલાઓને તાલીમ આપી આ માસ્ટ પીસને ખાદી પર રિક્રીએટ કરવા મોટો પડકાર હતો. પરંતુ, કામ ધીમે-ધીમે આગળ ધપતું ગયું. એક એક સાડી તૈયાર થવામાં 6 થી10 મહિના જેટલો સમય થયો. આ સાડીઓ તૈયાર થઈ ત્યારે પહેલી નજરે કોઈ માની ના શક્યું કે, આ શક્ય બન્યું છે. આવી 30 સાડીઓ તૈયાર કરાઈ છે. આ માસ્ટર પીસ સમાન સાડીઓને વિશ્વના અલગ અલગ દેશની આર્ટ ગેલેરીમાં રજૂ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ આર્ટ ગેલેરીમાં તેને ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં કેરળના મહાન ચિત્રકારની કૃતિઓને ખાદીની સાડીઓ પર જીવંત કરવામાં કચ્છી કસબીની ભૂમિકા ચાવીરૂપ રહી છે. તે કચ્છ જ નહીં સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.
ગૌરાંગ શાહ તાજેતરમાં તેલુગુ ફિલ્મ મહાનાતી માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે નેશનલ એવોર્ડથી સન્માનિત થયાં હતા. રાજા રવિ વર્માએ ભારતના પૂરાણો અને મહાભારત જેવી કથાઓના પાત્રોને ચિત્રરૂપે સાકાર કર્યાં હતા. હાથમાં વિણા લઈને બીરાજેલાં સરસ્વતી દેવીનું ચિત્ર હોય કે, રાજા નળના વિયોગમાં હંસ જોડે વ્યથા ઠાલવતી દમયંતિ કે, પછી સીતામૈયાનું હરણ કરી જતાં રાવણ જોડે આકાશમાં લડતાં જટાયુનું ચિત્ર. આવા તો અનેક ચિત્રો રાજા રવિ વર્માએ ભારતીય કલાજગતને ભેટ આપેલા છે.