15 ડિસેમ્બરથી ભારતીય રેલવે અગાઉ જાહેર કરાયેલી ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન પરીક્ષાઓ યોજશે
એક તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, કેન્દ્રમાં હવે કોઈ નવી ભરતી થશે નહીં અને જરૂરી ભરતી માટે નાણાં વિભાગની મંજૂરી લેવી પડશે. ત્યારે અગાઉથી જાહેર કરાયેલી વિવિધ ભરતી માટે 15 ડિસેમ્બરે પરીક્ષાઓ યોજવાની જાહેરાત રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદ : રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતીય રેલવે 15 ડિસેમ્બરથી અગાઉ જાહેરાત કરાયેલ ખાલી પડેલી જગ્યાઓ માટે ઓનલાઇન પરીક્ષાઓનું આયોજન કરશે. ભારતીય રેલવેમાં ત્રણ પ્રકારની ખાલી જગ્યાઓ હોય છે. જેમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં 35208 જગ્યાઓમાં ઓફિસ કલાર્ક, કોમર્શિયલ કલાર્ક, ગાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
1,663 જેટલા મિનિસ્ટીરિયલ અને આઇસોલેટેડ કેટેગરી જેમાં સ્ટેનોગ્રાફર અને શિક્ષણનો સમાવેશ થાય છે. 103769 લેવલ-1ની ખાલી જગ્યાઓમાં ટ્રેક મેઇન્ટેનર, પોઇન્ટ્સમેન વગેરેનો સમાવેશ થાય છે. 1.40 લાખ ખાલી જગ્યાઓ માટે રેલવે દ્વારા જાહેરાત બહાર પડાઈ હતી. તેની સામે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડને 2.40 કરોડથી વધુ અરજીઓ મળી હતી. જેની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે સ્થગિત રાખવામાં આવી હતી.
અરજીઓની ચકાસણી પૂર્ણ થઇ જતાં પરીક્ષાઓ માટે રેલવેએ 15 ડિસેમ્બર, 2020 ના રોજ પ્રથમ કક્ષાની ઓનલાઇન કમ્પ્યુટર આધારિત પરીક્ષણનું આયોજન કર્યું છે. જેને લઇને SOP પણ તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસને લઈને ઉમેદવારોને સલામતી જાળવવા તમામ પ્રકારના નિયમો જાળવવામાં આવશે. હમણાં જ તાજેતરમાં જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓ લેવાતા, આ પરીક્ષાઓ યોજવામાં અનુભવનો લાભ મળશે.