અમદાવાદ : એરપોર્ટ પર ખોટા પાસપોર્ટના આધારે પ્રવાસ કરનાર વધુ એક યુવક સામે ગુનો નોંધાયો છે. અગાઉ પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે પ્રવાસ કરતા યુવકને ઈમીગ્રેશન વિભાગે ઝડપ્યો હતો. જે કેસમાં SOG દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આરોપી પાસે ભારતીય પાસપોર્ટ હોવા છતાં તેણે અન્ય દેશમાં જઈને અન્ય પાસપોર્ટ બનાવી હોવાની હકીકત સામે આવતા આ મામલે એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
શું છે સમગ્ર મામલો : ગત 22 ઓક્ટોબર 2022ના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ થઈ હતી. 21 ઓક્બર 2022ના રોજ રાતના સમયે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં એક પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. ઈમિગ્રેશન ઓફિસર મિલિંદ થુલ દ્વારા ચેકિંગ કરી પ્રવાસીનું નામ પૂછતા તેનું નામ દાહ્યીન રેમેડીઓ એલેક્સીઓ ક્રાસ્ટો અને તે આણંદના ઉમરેઠનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તે પ્રવાસીને તપાસ કરતા તે પેસેન્જર વર્ષ 2021માં પોર્ટુગલ પાસપોર્ટ મારફતે ભારત આવ્યો હોવાનું ખુલ્યું હતું.
ભારતીય પાસપોર્ટ કઢાવ્યો :વધુમાં પ્રવાસીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેનું નામ અગાઉ હાર્દિક વિષ્ણુભાઈ પટેલ હતું. જે નામથી વેરિફાઈ કરતા વર્ષ 2009માં યુ.કે ગયેલો હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે ઇન્ડિયન પાસપોર્ટના આધારે હાર્દિક વિષ્ણુભાઈ પટેલના નામ પર વિદેશ ગયો હતો અને ભારતીય પાસપોર્ટ 2019માં પૂરો થતો હોય, જેથી લંડન ખાતેથી બીજો ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. તે પોર્ટુગલ પાસપોર્ટના આધારે વર્ષ 2021માં ભારતીય ઈ-વિઝા ઉપર 22 નવેમ્બર 2021ના રોજ ઇન્ડિયા આવ્યો હતો અને 21 ડિસેમ્બર 2021ના રોજ યુ.કે ગયો હતો.